એક એવા સરકારી તબીબ જે પોતાના કેન્સરના દર્દને ભૂલીને કરે છે સામાન્ય દર્દીઓની સેવા

હિન્દ ન્યુઝ, વડોદરા

     આજના સમયમાં જ્યાં લોકો નાની તકલીફમાં પણ હિંમત હારી જાય છે, ત્યાં વડોદરા જિલ્લાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. સ્મિતાબેન કનુભાઈ રાઠવા અનેક શારીરિક પીડાઓ વચ્ચે પણ દર્દીઓની સેવા કરીને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી તેઓ મેડિકલ ઓફિસર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે. પોતાને કેન્સર હોવા છતાં તેઓ દર્દીઓની સેવા કરવાનું ચૂકતા નથી. આવા કૃતનિશ્ચિયી તબીબો જ દર્દીનારાયણની સેવાને ઉત્તમ વ્યવસાય બનાવે છે. 

ડૉ. સ્મિતાબેન રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી હોસ્પિટલમાં દર્દીઓની તપાસ અને સારવાર કરે છે. ઉનાળામાં દરરોજ લગભગ ૫૦ થી ૬૦ દર્દીઓ અને અન્ય સિઝનમાં ૭૦ થી ૮૦ જેટલા દર્દીઓને સારવાર આપે છે. વર્ષ દરમિયાન અંદાજે ૧૮ હજારથી વધુ દર્દીઓને સારવાર પૂરી રહ્યા છે. તેઓ માત્ર ઓપીડી સેવા જ નહીં, પરંતુ આજુબાજુના ૧૬ જેટલા ગામોના આરોગ્ય સંબંધિત કેસોની પણ જવાબદારી સંભાળે છે.

ખાસ વાત એ છે કે ડૉ. સ્મિતાબેન પોતે છેલ્લા ઘણા વર્ષોથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ માં પ્રથમ બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. ત્યારબાદ ૨૦૨૧ ડાબા હાથના હાડકામા, ૨૦૨૨ મા મગજમા અને ૨૦૨૪ ડાબા પગમાં ૨૦૨૫મા હૃદયની આજુબાજુ અસર જોવા મળી હતી. હાલ ફરી પેટમાં પાણી ભરાયું છે. આમ શરીરના વિવિધ ભાગોમાં કેન્સરની અસર જોવા મળતાં ચાર વખત કીમોથેરાપી અને બે વખત રેડિયોથેરાપી જેવી કઠિન સારવારમાંથી પસાર થવું પડ્યું હતું. હાલમાં પણ ઓરલ દવાઓ અને સારવાર લઈ રહ્યા છે. તેમ છતાં તેઓ દર્દીઓ માટે હંમેશા હાજર રહે છે.

છાતી, મગજ અને હાડકાં સુધી કેન્સરની અસર હોવા છતાં તેઓ પોતાની ફરજમાંથી ક્યારેય પાછળ હ્ટ્યા નથી. હોસ્પિટલના કેમ્પસમાં જ રહેતાં હોવાથી કોઈપણ દર્દી મધરાતે પણ આવે તો સારવાર માટે તૈયાર રહે છે. દર્દીઓ પ્રત્યેની તેમની આ માનવીય સંવેદના અને સમર્પણ લોકોને ખૂબ લોકપ્રિય બન્યો છે. 

કરજણ તાલુકાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓ માટે ચેકઅપ, બ્લડ ટેસ્ટ, પોષણ અને બાળકો માટે જરૂરી સામગ્રી જેવી અનેક સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. અહીં દર મહિને ૨૦ થી ૨૫ જેટલી નોર્મલ ડિલિવરી કરવામા આવે છે. અને વર્ષ દરમિયાન અંદાજે ૨૭૦ થી વધુ સફળ અને નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે.ડૉ. સ્મિતાબેનની માનવીય સંવેદના, અડગ મનોબળ અને નિઃસ્વાર્થ સેવા સેવાભાવનાને કારણે આરોગ્ય કેન્દ્રને અનેક સન્માનો મળ્યા છે. 

વર્ષ ૨૦૧૯ થી સતત નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ અને કાયકલ્પ જેવા પ્રમાણપત્રો મળતા રહ્યા છે. જિલ્લા પંચાયત તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે. હાલમા ઓગસ્ટ ૨૦૨૫ના રોજ વડોદરા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સફળ ડિલિવરી કરવા બદલ તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.  

ડૉ. સ્મિતાબેન કહે છે કે, “લોકોના દુઃખ દૂર કરવામાં મને સાચો આનંદ મળે છે. માણસે બીમારીથી હારવું નહીં, પરંતુ હંમેશા સકારાત્મક વિચાર સાથે જીવન જીવવું જોઈએ. સેવા કરતા રહેશો તો પોતાનું દુઃખ પણ હળવું થઈ જાય છે.”

Related posts

Leave a Comment