હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘‘સબસે દૂર, સબસે પહેલે’’ના લક્ષ્ય સાથે જનભાગીદારી અભિયાનનો સમગ્ર રાજ્યની સાથે તા. ૧૯ મે ના રોજથી ગીર સોમનાથ જિલ્લામાં પણ પ્રારંભ થયો હતો.
તા.૨૨ મે સુધી ચાલેલા જન ભાગીદારી અભિયાન અંતર્ગત બહોળી સંખ્યામાં અનુસૂચિત જનજાતિ સમુદાયના નાગરિકોએ સરકારની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
જાંબુર, માધુપુર, સૂરવા, મોરુકા, મંડોર, ભેરાળા, ચિત્રાવડ, સાંગોદ્રા, થોરડી, ભાખા, ખીલાવડ, વલાદર, છાંછર, રસૂલપરા, હડમતિયા, જાવંત્રી સહિત ગીર સોમનાથ જિલ્લામાં ૨૭ ગામોમાં વસતા અનુસૂચિત જનજાતિ સમુદાય માટે વેરાવળ, ચિત્રાવડ, થોરડી સહિત અલગ-અલગ કુલ ૮ સ્થળો પર કેમ્પ યોજાયા હતાં.
આ તમામ સ્થળોએ આયોજિત જનભાગીદારી અભિયાન કેમ્પની ૧૧૦૫ લાભાર્થીઓએ મુલાકાત લીધી હતી તથા વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કેમ્પ દરમિયાન ૧૧૫ લાભાર્થીઓએ આધાર કાર્ડનો, ૩૨૦ લાભાર્થીઓએ આયુષ્માન ભારત કાર્ડ, ૧૪૯ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધો હતો.
આ ઉપરાંત ૧૧ લાભાર્થીઓએ જાતિના પ્રમાણપત્રો, ૭૫ લાભાર્થીઓએ રેશનકાર્ડનું વિતરણ, ૭ લાભાર્થીઓએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), ૧૦ લાભાર્થીઓએ મનરેગા, ૨૮ લાભાર્થીઓએ મિશન ઈન્દ્ર ધનુષ સહિત વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સરકારની વિવિધ યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચવો જોઈએ તો જ સર્વાંગી વિકાસ સાધી શકાશે અને વંચિતોને વિકાસની મુખ્યધારામાં સામેલ કરી શકાશે આવો રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે.
આ અભિગમને લક્ષ્યમાં લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ કાર્ય કરતા લાભાર્થીઓએ પોતાના ગામ નજીક જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, નોંધણી તથા સેવાઓ મેળવી હતી.
