રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આજે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી તથા પોલીસ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા પણ ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે રૂ. ૧૨.૮૮ કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તથા રૂ. ૨.૪૨ કરોડના ખર્ચે રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરશ્રીની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રૂ. ૭૫.૨૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પણ અત્યાધુનિક સુવિધાઓથી સભર છે. આજે બોટાદ જિલ્લાને કુલ રૂ. ૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત એસ.પી. કચેરીની ભેટ મળી રહી છે.

શુ છે આ નવનિર્મિત કચેરીની વિશેષતા :

આ નવનિર્મિત બિલ્ડીંગ અનેક વિશેષતાઓથી સુસજ્જ છે. પોલીસ અધિક્ષકની કચેરીના બિલ્ડીંગમાં, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક તથા નાયબ પોલીસ અધિક્ષક SC/ST Cellની કચેરી, પોલીસ વિભાગની વહિવટી શાખાઓ, રીડર શાખા, LIB, MOB, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, વાયરલેસ રૂમ, લાઈબ્રેરી, કોન્ફરન્સ હોલ તેમજ તાલીમ હોલ ઉપલબ્ધ છે.

ઉપરાંત આ કચેરી ખાતે સ્થિત ખુબ જ આધુનિક સવલતો ધરાવતો ઓડીટોરીયમ હોલ તો ઉડીને આંખે વળગે તેવો વિશેષ છે. ઉલ્લેખનીય છે કે, રમતગમતને પ્રોત્સાહન આપવા આ કચેરી ખાતે બેડમિન્ટન કોર્ટ પણ વિકસાવવામાં આવ્યું છે સાથોસાથ સ્ટાફની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે અહીં આધુનિક સાધનોથી સુસજ્જ જિમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ કચેરીમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂમ થકી સમગ્ર જિલ્લાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

પોલીસ અધિક્ષકની કચેરીના નિર્માણ માટે કુલ-૧૪,૭૫૦ ચોરસ મીટર જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. તમામ આધુનિક સવલતોથી ભરપુર કુલ ત્રણ માળનું બાંધકામ આકર્ષક ફ્રન્ટ એલીવેશન અને આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવે છે. એલ.ઈ.ડી લાઈટ્સ, લિફ્ટ, સી.સી. રોડ તથા નયનરમ્ય બગીચાઓથી શોભતી આ નવનિર્મિત કચેરી બોટાદની શોભામાં વધારો કરી રહી છે. ઉપરાંત કુલ-૫૧ એકર જમીન પર નિર્મિત રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરશ્રીની કચેરીમાં બી.ડી.ડી.એસ શાખા, ક્યુ.આર.ટી. શાખા, ક્લોધીંગ, આર્મ એમ્યુનેશન રૂમ, ગાર્ડ રૂમ, ડોરમેટ્રી સહિતની અનેક શાખાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

 

Related posts

Leave a Comment