દેવગઢબારીઆ તાલુકા શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઈ

દાહોદ,

દાહોદ જિલ્લા શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ બળવંતસિંહ ડાંગર તથા મહામંત્રી નિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેવગઢબારીઆ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ કિશનસિંહ કોળી તથા મહામંત્રી સવજીભાઈ રાઠવાના માર્ગદર્શન હેઠળ તાલુકા કારોબારી બેઠક ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન મોડ પર મળી હતી. જેમાં આગામી જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સદસ્યતા અભિયાન અંતર્ગત દરેક પગારકેન્દ્ર વાઈજ સદસ્ય સંખ્યાના લક્ષ્યાંક લેવાયા હતા. દરેક સેન્ટર દીઠ પગારકેન્દ્ર નેતૃત્વ માટે રજિસ્ટ્રેશન કરેલ ૨૭ જેટલા શિક્ષકોની ટીમ બિલ્ડિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હજુ દરેક સેન્ટર દીઠ પગારકેન્દ્ર નેતૃત્વ માટે વધુ રજિસ્ટ્રેશન થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.

ઉચ્ચત્તર પગારધોરણ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા થયેલ કામગીરી અને તેની બાકી કામગીરી, સીસીસીના કારણે ઉચ્ચત્તર પગાર ધોરણથી વંચિત રહી ગયેલ શિક્ષકોના કેસ વિશે તથા સીપીએફની પેન્ડિંગ કામગીરી બાબતે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા મહામંત્રી નીતેશભાઇ પટેલ દ્વારા આગામી દિવસોમાં શિક્ષકોના વહીવટી પ્રશ્નો ત્વરિત રીતે ઉકેલાય તે દિશામાં સક્રિયપણે પ્રયત્નો કરવા તાલુકા નેતૃત્વને હાકલ કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કીટ વિતરણ કરવાની જિલ્લા શૈક્ષિક મહાસંઘની અપીલને પગલે ઓનલાઈન મોડથી આર્થિક યોગદાન આપનારા તમામ દાતા શિક્ષક બંધુ/ભગિનીઓનો આભાર માનવામાં આવ્યો હતો. લોકડાઉનની પરિસ્થિતિમાં આર્થિક હાલાકી ભોગવી રહેલાં અનાથ બાળકોને આગામી સત્રમાં શૈક્ષણિક કીટ આપવા બાબતનો નવતર વિચાર અધ્યક્ષ કિશનસિંહ કોળીએ રજૂ કર્યો હતો. જેને સૌએ વધાવ્યો હતો અને સાચા લાભાર્થી સુધી તે લાભ પહોંચે તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. જિલ્લા મહામંત્રી નિતેશભાઇ પટેલે તાલુકા શૈક્ષિક સંઘના હોદ્દેદારોની કામગીરીની સમીક્ષા કરવા જણાવ્યું હતું.

સમગ્ર બેઠકનું સંચાલન સવજીભાઈ રાઠવાએ કર્યું હતું. અંતે કોરોના મહામારીમાં બાળકો તથા શિક્ષકોના મંગળ સ્વાસ્થ્યની શુભકામના સાથે કલ્યાણ મંત્રના જાપથી બેઠકનું સમાપન કરાયું હતું.

રિપોર્ટર : વિજય બાછાણી, દાહોદ

Related posts

Leave a Comment