દાહોદ
કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિની શોધી કાઢવામાં, એટલે કે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં દાહોદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. દાહોદ જિલ્લા આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી પ્રત્યેક કોરોના દર્દી દીઠ સરેરાશ ૧૨૧ વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. કોરોના વાયરસના ચેપને વ્યક્તિથી વ્યક્તિ ફેલાવતો અટકાવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ સૌથી અગત્યનું પાસુ છે. કોઇ વ્યક્તિ કોરોના કેરિયરમાંથી સુપર સ્પ્રેડર બને તે પૂર્વે જ તેને શોધી, તેના સંપર્ક શોધવાનું કામ કપરૂ છતાં મહત્વનું છે. પણ, તે કામ દાહોદમાં સારી રીતે કરવામાં આવ્યું છે. દાહોદની જ વાત કરીએ તો અહીં પ્રથમ કેસ ઇન્દોરથી દાહોદ આવેલી મુસ્કાન નામની બાળકીના નામે નોંધાયો હતો. આ બાળકીમાં કોરોનાના કોઇ જ લક્ષણો નહોતા. પરંતુ, હોટસ્પોટ વિસ્તારમાંથી આવી હોવાથી તેના પરિવારજનો સાથે તેનો પણ રિપોર્ટ કરાવાયો તો તેમાં તે કોરોના પોઝેટિવ જણાઇ. તુરંત, તેના કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ શરૂ થયું.
દાહોદના આરોગ્ય તંત્ર અને પોલીસ માટે આ બાબત પ્રથમ વખત હતી. આમ છતાં, તેના પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કમાં આવેલા ૬૨ વ્યક્તિને ટ્રેસ કરાયા. તેમાં જ દાહોદનો બીજો કેસ સામે આવ્યો. તે હતા એક આરોગ્ય કર્મચારી શબુરભાઇ પણદા. આ કેસમાં ૮૬ વ્યક્તિના ટ્રેસિંગ કરવામાં આવ્યા હતા.
કલેક્ટર વિજય ખરાડી કહે છે, દાહોદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ૩૪ કેસમાં પ્રતિ દર્દી દીઠ સરેરાશ ૧૨૧ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા, તે રાજ્યમાં સૌથી વધુ છે. દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના ૩૬ કેસોમાં અત્યાર સુધીમાં ૪૬૨૨ વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા છે. જે પૈકી સીધા સંપર્કમાં આવનારા કોન્ટેક્ટને ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. ચાર કેસ એવા છે કે જે દર્દી પાસે દાહોદના સરનામાવાળું આધાર કાર્ડ હોવાથી ડેશબોર્ડ ઉપર દાહોદના ગણવામાં આવ્યા છે. બાકી આ ચાર દર્દીઓ અન્ય જિલ્લામાં વર્ષોથી વસવાટ કરે છે. જો એ બાબત ધ્યાને લઇ ૩૪ કેસની સાપેક્ષે ગણવામાં આવે તો પ્રતિ દર્દી દીઠ ૧૩૫ કોન્ટેક્ટ ટ્રેસિંગ થયા છે. તેમ કલેક્ટરએ ઉમેર્યું. રસપ્રદ બાબત એ છે કે દાહોદમાં સૌથી વધુ કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રિતભાઇ નામના દર્દીના કેસમાં થયા છે. તેના સીધા કે આડકતરી રીતે સંપર્કમાં આવેલી ૨૭૦ વ્યક્તિને ક્વોરોન્ટાઇન કરવામાં આવી હતી. સૌથી ઓછા લલીતાબેન નામના દર્દીમાં ૨૦ કોન્ટેક્ટ ઓળખવામાં આવ્યા હતા. જો કે, તેની અવરજવર બહુ હતી જ નહીં. આ દર્દી સાજા થઇ ગયા છે. હવે એવી જ રીતે દાહોદમાં ફ્રૂટ વેચતા શાહરૂખ નામના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝેટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા ૧૯૭ કોન્ટેક્ટને ટ્રેસ કરવામાં આવ્યા. મુંબઇથી આવેલા નિયાઝુદ્દીન નામના દર્દીના સંપર્કમાં આવેલી ૨૧૮ વ્યક્તિને ટ્રેસ કરવામાં આવી હતી. આ બન્ને દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસ કરવાનું કામ સૌથી કપરૂ રહ્યું હતું.
દાહોદ ટાઉન પોલીસે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે બે મોરચો સંભાળ્યો છે. નગરમાં લોકડાઉનનો અમલ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી પણ સારી રીતે કરી છે. કારણ કે, દાહોદમાંથી જ સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. કેટલાક કિસ્સામાં દર્દી દ્વારા પોતાના પ્રવાસની વિગતો છૂપાવવાનું પણ સામે આવતા તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કેટલાક દર્દીઓ માટે છેલ્લા દિવસોમાં કોને મળ્યા તે યાદ કરવું કપરૂ થઇ પડ્યું હતું. આમ છતાં, તંત્ર દ્વારા કોના કોના સંપર્કમાં આવ્યા તેની વિગતો મેળવી હતી. તો ઘણી વખત બીજા કોઇ વ્યક્તિએ માહિતી આપી તંત્રને મદદ કરી હતી.
દાહોદ માટે એક વાત એ પણ નોંધનીય છે કે અત્યાર સુધીના તમામ કેસ એસિમ્પ્ટોમેટિક છે.
રીપોર્ટર : વિજય બચાણી, દાહોદ