લમ્પી ચર્મ રોગ વાયરસ-૨૦૨૨ – સારવાર અને માનવતા
હિન્દ ન્યુઝ, ભુજ
ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એશોશીયેશન – ફોકીઆના સભ્ય એકમોએ સીએસઆર અંતર્ગત ખર્ચ કરીને ૧ લાખ ૬૦ હજાર જેટલા ગોટ-પોક્સ રસીના ડોઝ ખરીદી નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. હરેશ ઠક્કરને સુપ્રત કર્યા. લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) ના લીધે છેલ્લા એક મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ હજાર ઉપરાંત જેટલા ગાય સંવર્ધનના પશુઓ માર્યા ગયા છે અને વાયરલ ઇન્ફેક્શનથી થતા મૃત્યુને કારણે પશુપાલકોમાં ભય ફેલાય રહ્યો છે ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. અને નિવાસી અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા દ્વારા ફોકીઆના એમ.ડી. નિમિષ ફડકેને અપીલ કરવામાં આવી હતી.
જેના પ્રતિસાદ રૂપે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એશોશીયેશન – ફોકીઆના સભ્ય એકમો જેવાકે, અદાણી ફાઉન્ડેશન, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી., આર્ચીયન ફાઉન્ડેશન, આશાપુરા ફાઉન્ડેશન, ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિ, ગેલેન્ટ મેટલ લિ., જિંદાલ સો લિમિટેડ, માન ઇન્ડસ્ટ્રીઝ, સુમિટોમો કેમિકલ્સ ઈન્ડિયા પ્રા. લિ., ટાટા પાવર (CGPL), પીસીબીએલ લિમિટેડ અને વેલસ્પન ફાઉન્ડેશનના સહયોગથી રૂપિયા ૧૦ લાખ જેટલી રકમ સીએસઆર અંતર્ગત ખર્ચ કરીને ૧ લાખ ૬૦ હજાર જેટલા ગોટ-પોક્સ રસીના ડોઝ ખરદીવામાં આવ્યાં હતા અને તે વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા નાયબ પશુપાલન નિયામક ડો.હરેશ ઠક્કરને સુપ્રત કરવામાં આવ્યા છે.
આ રોગ કે જે મૂળ આફ્રિકાનો છે અને ભારતમાં વર્ષ ૨૦૧૯ માં પ્રથમ વખત નોંધાયો હતો અને ૨૦૨૧ સુધીમાં તે ૧૫ રાજ્યોમાં ફેલાઈ ગયો હતો, પરંતુ મૃત્યુદર ક્યારેય આટલો ઊંચો નહોતો. એલએસડી કેપ્રીપોક્સ જીનસના વાયરસને કારણે થાય છે. તે ગાયો અને ભેંસોમાં માખીઓ, મચ્છર અને બગાઇ દ્વારા ઝડપથી ફેલાય છે. તે આખા શરીરમાં નરમ ફોલ્લા જેવા નોડ્યુલ્સ, તાવ, વહેતું નાક, પાણીયુક્ત આંખો, લાળ, દૂધની ઉપજમાં ઘટાડો અને ખાવામાં મુશ્કેલીનું કારણ બને છે.
જર્સી જેવા પશુઓની વિદેશી જાતિઓ સ્વદેશી જાતિઓની સરખામણીમાં ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે એલએસડી માટે વધુ સંવેદનશીલ હોય છે. જોકે, ભેંસોને ઓછી અસર થાય છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે. ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત દૂધ પણ માનવ વપરાશ માટે સલામત માનવામાં આવે છે જ્યાં સુધી તેને વપરાશ પહેલાં ઉકાળવામાં અથવા પેશ્ચ્યુરાઇઝ કરવામાં આવ્યું હોય. ફોકીઆના જીગર મકવાણાએ ગોટ-પોક્સ વેક્સિનની ખરીદી કરી જિલ્લા વહીવટીતંત્ર તેમજ કંપનીના પ્રતિનિધિઓ સાથે સંકલન કરી સહયોગ પૂરો પાડેલ હતો.