જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત

હિન્દ ન્યુઝ, બોટાદ

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે “મારું બોટાદ, નશામુક્ત બોટાદ” અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લાની શાળાઓમાં યોજાયેલી ચિત્રસ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને બોટાદ કલેક્ટર બી.એ.શાહના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાએ 2 વિદ્યાર્થીઓ અને તાલુકાકક્ષાએ 16 વિદ્યાર્થીઓ મળીને કુલ 18 વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લાભરમાં યોજાયેલી સ્પર્ધામાં 3200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધન કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, નશો વ્યક્તિગત, સમાજ અને રાષ્ટ્રને મોટું નુકસાન પહોંચાડે છે. નશાથી દૂર રહેવું જોઈએ. કલેક્ટરએ શિક્ષકોને અપીલ કરી કે, બાળકોને આ વિષય પર યોગ્ય સમજણ આપવી જરૂરી છે. નશાને કારણે કેવા માઠા પરિણામો ભોગવવા પડી શકે છે તે અંગે વિદ્યાર્થીઓને અત્યારથી જ જાગૃત કરવા જોઈએ. જિલ્લાકક્ષાએ યોજાયેલી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને કલેક્ટરએ અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું કે, તમાકું, માવો કે ગુટકા સહિતની વસ્તુઓના નશાના કારણે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. નશો વ્યક્તિગત જીવનની સાથોસાથ સામાજીક જીવનને પણ નુકસાન પહોંચાડે છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, નશાને કારણે લોકો ગુનાખોરી તરફ વળતા હોય છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને કોઈપણ વસ્તુને આદત ન બનાવવાની વાત કરી. તેમણે કહ્યું કે, નશાની જેમ મોબાઈલનો ગેરઉપયોગ પણ નુકસાનકારક છે. કેટલાક લોકોને અન્ય લોકો નશો કરવા ઉશ્કેરતા હોય છે આવી સ્થિતીમાં સૌએ પોતાનું હિત વિચારવું જોઈએ.

કાર્યક્રમમાં નશો કરવાને કારણે લોકોને પડતી મુશ્કેલી અને દેશનું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કામગીરી વર્ણવતી ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ પાસેથી પોતે નશાથી દૂર રહે અને સ્નેહીજનોને પણ નશાથી દૂર રહેવા માટે પ્રોત્સાહન આપે તે માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ રૂમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સમાજ સુરક્ષા અધિકારી વી.એસ.શાહે કર્યુ હતું. જિલ્લાકક્ષાએ ચિત્રસ્પર્ધામાં પ્રથમ ક્રમે બ્રાન્ચ સ્કુલ-6, ગઢડાની ગીતાંજલી પરમાર અને નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા રહેલા ભીમડાદ કુમાર શાળાના ભાવેશ વેલાણીને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર અને ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.પી.મોરી સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment