જૂનાગઢમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કળશ અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

                                જૂનાગઢમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ હેઠળના ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયા અને શ્રીમતિ ગીતાબેન પરમારના સયુંક્ત અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કળશ અર્પણ કરી પ્રતીકાત્મક ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આયો જિત વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહૂર્તના સમારોહને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો હતો. શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયાએ જણાવ્યું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આઝાદીના આ અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમજ માતા અને બાળકને પોષણ મળી રહે તે માટેની માતૃશક્તિનો આરંભ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે ગ્રામ્ય વિસ્તારના ગરીબ જરૂરીયાતમંદને પોતાનું પાક્કુ આવાસ મળ્યું છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જરૂરીયાતમંદને પાક્કુ આવાસ મળે તે માટે પ્રતિબદ્ધ છે. આ માટે આ શહેરી વિસ્તારમાં રૂ.૩.૫૦ લાખની માતબર સહાય આપવામાં આવી રહી છે.

             આમ, ગરીબ મધ્યમ વર્ગનું ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે પ્રતિબધ્ધતા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. તેમ જણાવતા તેમણે કેન્દ્ર-રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અંત્યોદયના ઉત્થાન માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં આયુષ્માન ભારત, ઉજ્વલા યોજના, નલ સે જલ સહિતના પ્રકલ્પોની ફળશ્રુતિ રજૂ કરી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્નાએ પ્રાસંગિક પ્રવચન કરી સરકારની આવાસ અને ઘરે ઘરે નળ આપવાની યોજનાની અગ્રતા અને તેનું મહત્વ દર્શાવી સરકારની યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે મહાનગર પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની વાત કરી હતી. આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તેઓએ વડાપ્રધાનશ્રીના માતાના ૧૦૦માં જન્મદિવસ પ્રસંગે શુભકામના પાઠવી ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનસેવા માટે કરવામાં આવેલા પુરુષાર્થની વિગતો જણાવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં થઇ રહેલા વિકાસ અને કેન્દ્રની યોજનાઓ ની અમલવારી ને કારણે આવેલા પરિણામો અને ફલશ્રુતિ પણ જણાવી હતી. આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ના પ્રતિભાઓ અને સાફલ્ય ગાથા રજુ કરતી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાબ્દિક સ્વાગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ અને આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.જે જાડેજાએ કરી હતી. આ પ્રસંગે પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુંદાર, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, અગ્રણી સર્વ મોહનભાઇ પરમાર, આરતીબેન જોશી સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment