ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘શ્રેષ્ઠીઓનું સન્માન, શૌર્ય સન્માન’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ 

   ગાંધીધામ ખાતે આયોજિત ‘શ્રેષ્ઠીઓનું સન્માન, શૌર્ય સન્માન’ કાર્યક્રમમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજ શ્રેષ્ઠીઓની સાથે પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે પહેલા એવી સ્થિતિ હતી કે ભારતના કોઈ ગામમાં જાઓ તો તમને કોઈને કોઈ કચ્છનો રહેવાસી મળી જાય પણ આજે થયેલા વિકાસના લીધે તમે દુનિયાના કોઈપણ દેશમાં જાઓ તો તમને કચ્છી મળી જાય. કચ્છની વિકાસયાત્રા ખૂબ જ સંઘર્ષથી ભરેલી છે. વડાપ્રધાનનું કચ્છના વિકાસમાં મોટું યોગદાન છે. કચ્છે આજે વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીને દુનિયામાં અનેરી ઓળખ મેળવી છે. કચ્છીઓ દુનિયાભરમાં બ્રાન્ડ બન્યા છે અને તેનો લાભ આજે રાજ્યને, દેશને મળી રહ્યો છે. ગુજરાતે દેશભરના યુવાનોના પરિવારોના સપના રોજગારી આપીને સાકાર કર્યાં છે. આ માટે જ આજે શ્રેષ્ઠીઓનું સન્માન થવા જઈ રહ્યું છે. પોલીસ વિભાગની કામગીરીને બિરદાવીને મંત્રીએ કહ્યું હતું કે, સામાજિક સંતુલનની સૌથી મોટી જવાબદારી પોલીસ વિભાગ નિભાવે છે.

મંત્રીએ કચ્છનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આજે કચ્છને જોવા માટે દુનિયામાંથી લોકો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી અને કચ્છના લોકોના સંઘર્ષથી આજે કચ્છએ દુનિયામાં આગવી ઓળખ ઊભી કરી છે. મંત્રીએ કાર્યક્રમમાં અનુરોધ કરીને કહ્યું કે કચ્છની વિકાસગાથાનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ કારણ કે આવનારી પેઢીઓ જાણી શકે છે કે કેવા સંઘર્ષમાં કચ્છે પ્રગતિ કરી છે. મંત્રીએ કચ્છ જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભૂકંપ પછી કચ્છના વિકાસને ગતિ આપવા માટે દીર્ધદ્રષ્ટિથી કાર્ય કર્યું છે. સરકારની સાથે કચ્છમાં વસેલા સૌ લોકોએ ખભેખભા મિલાવીને કચ્છના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. માનનીય સાંસદએ કચ્છના વિકાસમાં સહભાગી થવા બદલ સૌ શ્રેષ્ઠીઓનો દિલથી આભાર માન્યો હતો.

આ કાર્યકર્મમાં ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે સ્વાગત પ્રવચન કરીને તમામ શૌર્યવીર અને સમાજ શ્રેષ્ઠીઓને અભિનંદન આપ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી.

આ કાર્યક્રમનું આયોજન ન્યૂઝ-૧૮ ગુજરાતી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ કેટેગરી અંતર્ગત સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસકર્મીઓનું સન્માન પણ કરાયું હતું. કાર્યક્રમની આભારવિધિ ન્યૂઝ ૧૮ ગુજરાતી ચેનલના એડિટર રાજીવ પાઠક દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી મુંદ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, તાલીમી આઈપીએસ અધિકારી આલોક કુમાર તેમજ પૂર્વ કચ્છ પોલીસના નાયબ પોલીસ અધિકારીઓની સાથે પોલીસકર્મીઓ, પોલીસ પરિવારના સભ્યો, સમાજ શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment