હિન્દ ન્યુઝ બોટાદ
રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થતાં હોય તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ, ગુનાઓમાં વપરાયેલ અથવા ચોરાઈ ગયેલ મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. (IMEI) નંબરનું ટ્રેકીંગ કરીને ગુનાના મુળ સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનનાં વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે, જે મોબાઇલ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. જેથી ગુનાઓની તપાસમાં કોઇ ફળદાયી હકીકત મળતી નથી. જેને ધ્યાને લઈ આરોપીને પકડવા તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓને અટકાવી શકાય અને ગુનાઓના મુળ સુધી પહોંચી શકાય તે માટે જુના મોબાઇલના વપરાશકારે મોબાઇલ કોની પાસેથી ખરીદ્યો અથવા કોને વેચ્યો તે જાણવુ જરૂરી હોય જુના/નવા મોબાઇલ ફોન તથા સીમકાર્ડના લે-વેચનો વ્યવસાય કરતા વિક્રેતાઓએ મોબાઇલ/સીમકાર્ડની લે-વેંચ સંદર્ભેની જરૂરી વિગતો સાથેનું રજીસ્ટર નિભાવવા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લામાં મોબાઇલ ફોન / સીમકાર્ડ લેનાર અને વેચાણ કરનાર વ્યકિત/વેપારીઓને ખરીદનાર કે વેચનારની સાચી માહિતી અને વિગતો મળી રહે તે માટે ઓળખ કાર્ડ વિના મોબાઇલ ફોન ન લેવા કે વેંચવા તથા મોબાઇલ / સીમકાર્ડની વિગત, આઇ.એમ.ઇ.આઇ.(IMEI) નંબર, મોબાઇલ / સીમકાર્ડ વેચનાર કે ખરીદનારનું નામ-સરનામુ, ટેલિફોન નંબર અને આઇ.ડી.પ્રુફ, ફોટો તેમજ રેસીડેન્ટ પ્રુફની વિગત સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ