‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’
હિન્દ ન્યુઝ, જામનગર
આધુનિક જીવનશૈલીના કારણે વધતી જતી સ્થૂળતા એક ગંભીર સમસ્યા બની રહી છે, જે બાળકો, યુવાઓ અને વડીલો સૌને અસર કરી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે, સક્રિય જીવનશૈલી અપનાવવા, તણાવ દૂર કરવા અને પ્રકૃતિ સાથે ફરી જોડાવા માટે સાયકલિંગ એક સરળ અને શક્તિશાળી માધ્યમ છે. નિયમિત સાયકલ ચલાવવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના પ્રદૂષણને ઘટાડીને પર્યાવરણનું રક્ષણ પણ કરી શકાય છે. નાગરિકોને સાયકલિંગના ફાયદાઓ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૩ જૂનના રોજ યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉજવવામાં આવે છે.
૬૦ વર્ષીય મનસુખભાઈ બુજડનું પ્રેરણાદાયક ઉદાહરણ
જામનગરના ૬૦ વર્ષીય મનસુખભાઈ બુજડે ‘મેદસ્વિતા મુક્ત અભિયાન’માં પોતાની અદભૂત પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે જામનગરથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ અને રાજકોટથી જામનગર સુધીની 460 કિલોમીટરની લાંબી સાયકલ યાત્રા માત્ર 27 કલાકમાં પૂર્ણ કરી હતી.
મનસુખભાઈની આ સિદ્ધિ તેમના ઉત્સાહ, શારીરિક તંદુરસ્તી અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન પ્રત્યેની તેમની નિષ્ઠાનું પ્રતીક છે. તેમની આ યાત્રા દ્વારા તેમણે અન્ય લોકોને પણ સક્રિય જીવનશૈલી અપનાવવા અને સાયકલિંગના સ્વાસ્થ્ય લાભો પ્રત્યે જાગૃત કરવાનો સંદેશ આપ્યો છે. મનસુખભાઈનું ઉદાહરણ દર્શાવે છે કે ઉંમર કોઈ બંધન નથી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે ક્યારેય મોડું થતું નથી.તેઓએ અન્યોને પણ પોતાના દૈનિક જીવનમાં સાયકલિંગનો સમાવેશ કરીને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનનો ભાગ બનવા અપીલ કરી છે.
ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અને મેદસ્વિતા મુક્ત ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા સામે લડવા અને સ્વસ્થ, સક્રિય જીવનશૈલી અપનાવવાના હેતુસર કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૪,૬૦૦ થી વધુ સ્થળોએ લગભગ ૨ લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે.
આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની રહી છે, જેના કારણે અનેક બીમારીઓ થવાની શક્યતા રહેલી છે. દેશના નાગરિકો માટે સ્વસ્થ શરીરના મહત્વને સમજીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૫માં ‘ઓબેસિટી મુક્તિ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરી છે. આના ભાગરૂપે, ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની ઝુંબેશ શરૂ કરી છે.
સાયકલિંગના સ્વાસ્થ્ય લાભો
વજન ઘટાડવામાં અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. સાયકલિંગના મુખ્ય ફાયદાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.
* ઉત્તમ કાર્ડિયોવાસ્ક્યુલર કસરત: હૃદય માટે ફાયદાકારક છે અને નિયમિત કરવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે.
* ફેફસાંની કાર્યક્ષમતામાં સુધારો: શ્વાસ લેવાની પ્રક્રિયામાં સુધારો કરે છે.
* માનસિક સ્વાસ્થ્ય: મન પર સકારાત્મક અસર કરે છે, જે માનસિક આરોગ્ય સુધારે છે અને તણાવ ઘટાડે છે.
* ચરબીમાં ઘટાડો અને પોષણશક્તિમાં વધારો: શરીરની ચરબી ઘટાડે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
* ગંભીર રોગોનું જોખમ ઘટાડે: હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.
* બાળકોની ઊંચાઈમાં વધારો: સાયકલિંગ નાના બાળકોની ઊંચાઈ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
