૩ જૂન : વિશ્વ સાયકલ દિવસ
હિન્દ ન્યુઝ, ભાવનગર
કોરોના (કોવિડ-૧૯) પછી ઘરે દાદરા નહોતા ચડાતા, તેના બદલે આજે ગિરનાર ચડવા સક્ષમ બન્યા છે ભાવનગરના સાઈકલિસ્ટ કલ્પેશસિંહ ઝાલા. ૩ જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીના કેમ્પસ ઓફિસર, સાઈકલિસ્ટ અને ફીટ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર એવા કલ્પેશસિંહ ઝાલા દરરોજ સવારે- ૩૦ કિલોમીટર સાયકલ ચલાવે છે. અને રવિવારે તો લોંગ સાયકલિંગ 60 થી 100 કિલોમીટર સાઇકલિંગ કરે છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવતા ૪૧ વર્ષીય કલ્પેશસિંહ ઝાલા સાઇકલિંગના અનુભવો વિશે જણાવતા કહે છે કે, કોરોના કાળ (કોવિડ-૧૯)માં મને કોરોના થયો હતો. જેના કારણે મારે ક્વોરોન્ટાઇન થવું પડયું હતું. જો કે, એ સમયે કોરોનાથી તો યોગ્ય સારવારને કારણે સારું થઈ ગયું હતું. પણ એ પછી શરીરને સતત થાક લાગતો અને થાક અનુભવાતો હતો. થોડીક શારીરિક મહેનત કરીએ કે, ઘરના દાદરા ચડીએ તો હાંફીને થાકી જવાતું હતું.
આ બાબતે ડૉક્ટરોની સલાહ લીધી તો તેમણે કહ્યું કે, કોરોનાની આડઅસર થોડા વર્ષો પછી પણ શરીરને અનુભવાતી હોય છે. પણ તેમણે હિંમત હાર્યો વગર અને શરીરને રાબેતા મુજબ ફિઝીકલી એક્ટિવ રાખી વોલીબોલ, ક્રિકેટ, રનીંગ અને પછી સાયકલિંગની કસરત શરૂ કરી દીધી.
કલ્પેશસિંહે નિયમિતપણે દરરોજ સવારે ૧૦ થી ૧૫ કિલોમીટર સાયકલ ચલાવવાનું શરૂ કર્યું, તેના કારણે શરીરને શુદ્ધ ઓક્સિજન મળ્યો અને ફેફસાંની કસરત થતી હોય અને નવી ઉર્જાનો તેમને અનુભવ થયો, આમ, દરરોજ કિલોમીટર વધારતા ગયા અને ધીમેધીમે ૩૦ કિલોમીટર સુધી સાયકલિંગ કરવા શરીરને તૈયાર કર્યું. તે બાદ રવિવારે લોંગ ડ્રાઇવ સાયકલિંગ 60 થી 100 કિલોમીટર કરવાનું નક્કી કર્યું અને ત્યારબાદ સાયકલ ટૂર કરવાનું પણ નક્કી કર્યું. જેમાં ભાવનગર થી દિવ 200 કિલોમીટર, ભાવનગર થી લાઠી અને ભાવનગર પરત 200 કિલોમીટર, તેમજ દીવ થી ઓખા 350 કિલોમીટર સુધી તેઓ સાયકલ ચલાવી ચૂક્યા છે.
કલ્પેશસિંહ ઝાલા જણાવે છે કે, સાઈકલિંગને કારણે અત્યારે હું એકદમ ફીટ અને શરીર હળવા ફૂલ જેવું બની ગયું છે, સાયકલિંગને કારણે સંપૂર્ણપણે થાક ગાયબ થઈ ગયો હોય અને મારા ફેફસાં પણ મજબૂત થઈ ગયા હોય તેવું લાગે છે. શરીરમાં સ્ટેમિના તો વધ્યો છે, એની સાથે શરદી-ઉધરસ પણ ગાયબ થઈ ગયા છે. રોજિંદા કામમાં હવે થાક લાગતો નથી. હાલમાં તેઓ ૪.૩૦ કલાકમાં જૂનાગઢના ગિરનાર પર્વત ના ગુરુ શિખર ચડ્યા હતા, પણ શ્વાસ ચડવો કે થાક લાગવા જેવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડી નથી, તેના મૂળમાં સાયકલિંગ સાથેનું સગપણ છે, તેમ તેમણે કહ્યું હતું.
સાયકલિંગના આટલા સારા પરિણામો બાદ કલ્પેશસિંહ ઝાલાએ ભાવનગર શહેરમાં ભાવનગર સાયકલ ક્લબ શરૂ કરી છે અને વધુમાં વધુ લોકો સાયકલિંગ તરફ આગળ વળે અને આ દિશામાં આગળ વધે તે માટે લોકોને સાયકલિંગનું મહત્વ સમજાવી રહ્યાં છે. આ સાઇકલ ક્લબમાં હાલ 100 જેટલાં સભ્યો છે. ભાવનગર શહેરની 100 કિલોમીટરની ત્રિજ્યામાં આ સભ્યોની સાયકલ ટુર યોજાતી હોય છે.
સાયકલીસ્ટ કલ્પેશસિંહ ઝાલાનું માનવું છે કે, સ્વાસ્થ્ય બાબતે આત્મવિશ્વાસ રાખીને અને મહેનત કરીએ તો પરિણામ ચોક્કસ મળે જ છે.
