હિન્દ ન્યુઝ, ડાંગ
હોસ્પિટલમાં પ્રસૂતિ અને જન્મ પછીના “ગોલ્ડન અવર” દરમિયાન સ્તનપાન, માતા અને બાળક બન્ને માટે જીવનદાયી સાબિત થાય છે.
સ્તનપાનને વિશ્વભરમાં શિશુના જીવન, પોષણ, અને વિકાસનો આધારસ્તંભ માનવામાં આવે છે. માતાનું દૂધ કુદરતી રસી છે, જે અનેક રોગોથી બાળકને સુરક્ષિત રાખે છે.
વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬ ના ઉદ્દેશ્યો
• શિશુ અને નાનાં બાળકોના પોષણ માટે ટકાઉ માર્ગ તરીકે પરિવારો અને સમાજને સ્તનપાન વિશે માહિતગાર કરવું,
• સ્તનપાનને સુરક્ષિત, પ્રોત્સાહિત અને સહાયરૂપ બનાવવા માટે મજબૂત નીતિ ઘડતર,
• સરકારો, વ્યાવસાયિક સંસ્થાઓ, સમાજ અને વ્યક્તિઓ વચ્ચે સહકાર વધારીને સ્તનપાન માટે અનુકૂળ વાતાવરણ સર્જવું,
હોસ્પિટલમાં પ્રસૂતિ, તાત્કાલિક તબીબી સહાયની સાથે સાથે “બ્રેસ્ટ ક્રૉલ” જેવી પ્રથાને શક્ય બનાવે છે. નવજાત બાળકને માતાના પેટ પર મૂકતાં તે સ્વાભાવિક રીતે જ સ્તન તરફ આગળ વધે છે, અને સ્તનપાન શરૂ કરે છે. આ કુદરતી પ્રથા માતા-બાળક વચ્ચેનું બંધન મજબૂત કરવામાં મદદરૂપ છે. દૂધનું પ્રમાણ વધારવામાં સહાયક બને છે, અને સમયસર સ્તનપાનની શરૂઆત સુનિશ્ચિત કરે છે.
જન્મ પછીનો પ્રથમ “ગોલ્ડન અવર” અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રથમ એક કલાકની અંદર સ્તનપાન શરૂ કરવાથી નવજાત શિશુનો મૃત્યુદર ઘટે છે, તેમને ચેપથી બચાવે છે, અને બાળકના શ્વાસ તથા તાપમાનને સ્થિર રાખે છે. વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે જન્મ પછીના પહેલા કલાકમાં માતાનું દૂધ મેળવનારા બાળકોમાં પ્રથમ મહિનામાં મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું રહે છે.
આ ક્ષેત્રમાં પ્રગતિ છતાં કેટલાક પડકારો યથાવત છે. જેવા કે લોક જાગૃતિનો અભાવ, કોલોસ્ટ્રમ (પ્રથમ દૂધ) અંગેની ખોટી માન્યતાઓ, અને પ્રી-લેક્ટિયલ ખોરાક આપવાની પરંપરા, વધતી ન્યુક્લિયર ફેમિલી અને પ્રથમ વખત માતા બનેલ સ્ત્રીઓમાં અજ્ઞાનતા. માતા-પિતાને શિશુ અને નાનાં બાળકોના પોષણ અંગે સાચી અને નિષ્પક્ષ માહિતી મળે તે સુનિશ્ચિત કરવા માટે IMS અધિનિયમનું અસરકારક અમલીકરણ પણ અત્યંત આવશ્યક છે.
માતાનું દૂધ કુદરતી રસી છે. તે બાળકના જીવન, પોષણ અને વિકાસનું આધારસ્તંભ છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬ એ સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકે છે. હોસ્પિટલ પ્રસૂતિ, જન્મ પછીનો ગોલ્ડન અવર (પ્રથમ એક કલાક) અને બ્રેસ્ટ ક્રૉલ જેવી સરળ પરંતુ શક્તિશાળી પ્રથાઓ અનેક જીવ બચાવી શકે છે.
મજબૂત નીતિઓના સહારે ખોટી માન્યતાઓ દૂર કરવી, અને માતાઓને તમામ સ્તરે પરિવાર, સમાજ, અને કાર્યસ્થળ પર જરૂરી સહાય અને પ્રોત્સાહન આપવું, માતાઓ તથા સમાજને સશક્ત બનાવવું, આ બધું મળીને દરેક બાળકને જીવનની શ્રેષ્ઠ શરૂઆત આપી શકે છે.
‘વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬’ની થીમને વધુ વેગવંતી બનાવવા માટે તમામ જિલ્લાઓમાં વિવિધ પ્રવૃતિઓ જેવી કે સેમીનાર, વર્કશોપ, રેલી, પોષણ પંચાયત થકી સમુદાય અને કુટુંબના સભ્યોમાં સ્તનપાનની સાચી પ્રથાઓ અંગે ચર્ચા, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ સાથે સુપોષણ સંવાદ વિગેરે આયોજિત કરાશે.
‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણીને એક અભિયાન તરીકે આગળ વધારવા દરેક પરિવાર અને સમુદાયની ભાગીદારી જરૂરી છે.
‘વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬’ દરમિયાન આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે દરેક બાળકને પ્રથમ એક કલાકના ગોલ્ડન અવરમાં માતાનું દૂધ મળે, અને છ મહિના સુધી માત્ર સ્તનપાન ચાલુ રહે. સરકાર, સમુદાય અને પરિવાર સૌ મળીને આ પડકારોને દુર કરવામાં મદદરૂપ થઈએ, અને આ અભિયાનને સફળ બનાવીએ. ‘જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન’ ના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડીને સુપોષિત ગુજરાત બનાવવામાં સહભાગી થઈએ.
