રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૬ (દાહોદ-ગરબાડા-એમ.પી. બોર્ડર) પરથી વરસાદી પાણીનો યુદ્ધના ધોરણે નિકાલ કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ 

    રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરા (માર્ગ અને મકાન વિભાગ) હેઠળ આવતી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, દાહોદની કચેરી દ્વારા પ્રજાહિતમાં અને વાહનચાલકોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન દાહોદથી ગરબાડા થઈ મધ્યપ્રદેશ બોર્ડરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૬ પર કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થવાની શક્યતા હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પેટા વિભાગીય કચેરી દ્વારા યુદ્ધના ધોરણે ડામર સપાટી પરથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 રસ્તા પર ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવતા, ડામર રોડને થતું મોટું નુકસાન અટકાવી શકાયું છે. પાણીનો નિકાલ થતાં જ માર્ગ પરનો વાહનવ્યવહાર પુનઃ સરળ, સુગમ અને સુરક્ષિત બની ગયો છે. ચોમાસા દરમિયાન વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે પેટા વિભાગીય કચેરીના ઇજનેર અધિકારીઓની ટીમ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ પર સતત પેટ્રોલિંગ અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગના આ ત્વરિત પગલાંથી ચોમાસાની ઋતુમાં પણ આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને સુરક્ષિત, અવરોધમુક્ત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળી રહ્યો છે.

Related posts

Leave a Comment