૩૧મી સુધી ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુધી 754 K રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે કોર્મશિયલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્લાના લખપત-ખાવડા-ધોળાવીરા-સાંતલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.754 K નું બાંધકામ પુરજોશમાં ચાલી રહેલ છે અને કચ્છ જિલ્લામાં આગામી જી-૨૦ સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટ્રાફિક નિયંત્રણ કરવો જરૂરી હોઇ ખાવડાથી ધોળાવીરા સુધીનો ધોરી માર્ગ નં. 754 K બંધ રાખવા માટે કાર્યપાલક ઈજનેર, નેશનલ હાઈવે ડીવીઝન, ગાંધીધામ દ્વારા તા.૨૮/૧/૨૦૨૩ સુધી ભારે કોર્મશીયલ વાહનો પ્રતિબંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ પરંતુ કામગીરી પૂર્ણ ન થતાં અને પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વધુ ત્રણ દિવસ એટલે કે આગામી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી બંધ રાખવો જરૂરી જણાય છે. જેથી કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુધી 754 K રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જતાં ભારે કોર્મશિયલ વાહનો માટે સવારના ૭ કલાકથી રાત્રીના ૨૧ કલાક દરમિયાન વાહન વ્યવહાર માટે આગામી તા.૩૧મી જાન્યુઆરી-૨૦૨૩ સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે. આ જાહેરનામા અન્વયે સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો. પોલીસ અધિક્ષક કે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનો. કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગ, ગાંધીધામ દ્વારા અધિકૃત કરેલ વાહનો તેમજ આ માર્ગની આજુબાજુના ગામોનો સામાન્ય વાહન વ્યવહાર આવન જાવન કરી શકશે. તેવા વાહનોને મુકિત આપવામાં આવે છે.

Related posts

Leave a Comment