નોટિસ બાદ પણ વેરો ન ચૂકવનાર ૧૦ બાકીદારોની મિલ્કત જપ્ત કરાઈ
હિન્દ ન્યુઝ, ગીરસોમનાથ
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત લાંબા સમયથી વેરા ચુકવવાના બાકી હોય તેવા મોટા બાકીદારોને નગરપાલિકા અધિનિયમની કલમ-૧૩૨, ૧૩૩ તળે બીલો તથા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કરવેરાની રકમ ભરપાઈ ન કરતા વેરા વસુલાત અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોની ૧૦ બાકીદારોની મિલ્કત જપ્તીમાં લેવામાં આવી છે. આ કામગીરી દરરોજ વોર્ડ વાઈઝ ટીમ અધિકારીઓ દ્વારા કરવામા આવી રહી છે. આ સાથે જે બાકીદારોની કરવેરાની રકમ બાકી હોય તેઓએ પણ તાત્કાલીક બાકી રકમની ભરપાઈ કરવાની પાલિકા તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે. બાકીદારો ઉપર જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તથા નળ કનેકશન કાપવાની સહિતની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આમ, પાલિકા દ્વારા જાહેર જનતાને હાઉસ ટેકસ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો તથા પાણીવેરાની બાકી રકમ વહેલી તકે ભરી જવા નગરપાલિકાના ચીફ ઓફિસરની એક યાદીમાં જણાવાયું છે.