ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન મનસ્વી રીતે વાહનો તથા લાઉડસ્પીકર ઉપયોગ ઉપર નિયંત્રણ

હિન્દ ન્યુઝ,

આગામી ગ્રામ પંચાયત ચૂંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૭/૧૧/૨૦૨૧ નાં આદેશ મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો થાય છે. જેમાં વાહનોનાં ઉપયોગ ઉપર નિયંત્રણ બાબતે તથા ચૂંટણી જાહેર થયા પછી વાહનો તથા લાઉડસ્પીકરના ઉપયોગ પર નિયંત્રણ રાખવા જણાવેલ છે.

ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તાઓ, સમર્થકો, ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે વાહનો તથા લાઉડસ્પીકરના ઉપયોગ મોટા પાયે કરે છે. પ્રચાર માટે વાહનોનો બહોળો ઉપયોગ થાય છે અને ઉંચા અવાજે લાઉડ સ્પીકરોનાં ઉપયોગના કારણે ખુબ જ ધ્વની પ્રદૂષણ પેદા થાય છે અને આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે.

જેથી, ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન મનસ્વી રીતે વાહનો તથા લાઉડસ્પીકર ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાય છે. આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ (૧) આર (૩) થી મળેલ સત્તાની રૂઈએ નિયંત્રણોનો અમલ કરવા ઠરાવેલ છે. જેમાં કોઈપણ ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે અને રજીસ્ટર કરાયેલ વાહન માટે તેઓ પાસેથી પરમીટ મેળવી વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડસ્ટ્રીન પર ચોંટાડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહીં, ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી. આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના ૮:૦૦ કલાકથી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી જ થઈ શકશે. આ સિવાયના સમયગાળાની પરવાનગી આપવી નહી. સ્થાનિક કાયદા અને વિસ્તારની જરૂરીયાત અનુસાર સ્થાનિક ખ્યાલ અને મૌસમનીતી, ઉત્સવ, પ્રસંગ, પરીક્ષા સમય, વિદ્યાર્થીઓ, વૃધ્ધો, બિમાર અને અશક્ત વ્યક્તિઓની શાંતિને સ્વસ્થતામાં ખલેલ પહોંચે નહી વગેરે બાબતોને આધીન રહેશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા મોટર વ્હીકલ એકટ હેઠળના સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડસ્પીકર મુકી શકાશે નહી અને આવી પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડસ્પીકરના ઉપયોગ માટે સબંધિત ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટનાં હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વાહનોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા તમામ ઉમેદવારો કે કાર્યકરોએ લાઉડસ્પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તાધિકારીશ્રીને વાહનોની નોંધણી / ઓળખ નંબરો જણાવવા અને પરવાનગી પત્ર પર તેની નોંધ કરાવવાની રહેશે. કોઈપણ પ્રકારનાં લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારને તે વિસ્તારના પોલીસ મથકને અને સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખીતમાં જાણ કરવાની રહેશે. લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો ઉપયોગમાં લેવાયેલ લાઉડસ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધન કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. કોઈપણ મતદાર વિસ્તારમાં ચૂંટણી પૂર્ણ થયાના ઠરાવેલ કલાકો સહિત પુરી થતી ૪૮-૦૦ કલાકની મુદત દરમ્યાન પ્રચાર પર પ્રતિબંધ છે જેથી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર, ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમાવિષ્ટ થતા વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામુ તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.

બ્યુરચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી,

Related posts

Leave a Comment