આઝાદી કા અમૃત મહોત્સવ ભાવનગર શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ- ગરબા સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન શિશુવિહાર સંસ્થા ખાતે આજે સાંજે કરવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવ શરૂ થવાની તૈયારીમાં છે તેવા સમયે કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી અટકેલી મા આદ્યશક્તિની શક્તિ પૂજાના આ તહેવારની શરૂઆતના દિવસોએ ભાવનગરની વિવિધ સંસ્થાઓની વિદ્યાર્થીઓની વચ્ચે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અવસરે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાં વિશેષરૂપે ઉપસ્થિત રહેલાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, કલા- સંસ્કૃતિ એ માનવ સંસ્કૃતિને ધબકતું રાખવાનાં સશક્ત માધ્યમ છે. કલા દ્વારા સુષુપ્ત શક્તિઓને ખીલવવાની તક મળે છે. તો સ્પર્ધા દ્વારા વ્યક્તિમાં સ્પર્ધાત્મકતાના ગુણો કેળવાય છે. માનવ સંસ્કૃતિ એ એક પેઢીએ બીજી પેઢીને આપેલાં સંસ્કારોને લઈને આગળ વધતી ચાલી છે અને તેને આધારે આપણી સંસ્કૃતિ દિવસેને દિવસે વિકસિત થતી રહી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાતમાં પ્રખ્યાત એવાં ગરબા માં આદ્યશક્તિ જગદંબાની શક્તિની આરાધનાનું પર્વ છે. જગતજનનીની આ ભક્તિ ગુજરાતમાં ગરબાના માધ્યમ દ્વારા ભક્તજનો કરે છે. ભાવનગરએ કલા નગરી છે અને આજે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલાં ગરબાની કલા દ્વારા તેઓ ભાવનગરનું નામ રાજ્ય સ્તરે અને દેશ સ્તરે રોશન કરે તેવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગરબા સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યની ૭ ટીમ અને ભાવનગર શહેરની ૬ ટીમ મળી કુલ ૧૩ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૨૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ આવેલી ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment