નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રાજપીપલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭૫ જેટલા આરોગ્ય કર્મીઓની ટીમ થકી હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની થઇ રહેલી કામગીરી : મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગો અને તેના ઉપચાર વિશે અપાઇ રહેલી જાણકારી

હિન્દ ન્યુઝ, રાજપીપલા

 રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં કુલ-૧૭૫ જેટલા આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન વાહકજન્ય રોગ નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપેડેમીક મેડિકલ ઓફીસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે તા.૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ જિલ્લામાં ડેન્ગ્યુના-૧૨ અને મેલેરીયાના-૩૨૫ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે ડેન્ગ્યુના-૨ પોઝિટીવ કેસ નોંધાવા પામ્યાં છે. જિલ્લામાં આજદિન સુધીમાં ડેન્ગ્યુના-૧૫૬ અને ચીકનગુનીયા-૧૬ જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. તેવી જ રીતે ડેન્ગ્યુના-૧૧, મેલેરીયા પી.એફ-૧ અને મેલેરીયા પી.વી ના-૧૫ પોઝિટીવ કેસો નોંધાયા છે. ઉક્ત સર્વેલન્સ દરમિયાન આજદિન સુધીમાં ૩૪,૨૫૧ વસ્તી અને ૭,૬૪૦ ઘરોમાં સર્વેલન્સ કરીને ૨૫,૫૬૨ તપાસેલ પાત્રો પૈકી ૨૮૦ જેટલા પોઝિટીવ પાત્રો મળ્યાં છે, જેમાં ૨૭૬ પોઝિટીવ પાત્રોનો આરોગ્ય કર્મીઓ દ્વારા દવા નાંખીને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સર્વેલન્સ દરમિયાન ડેન્ગ્યુ, ચીકનગુનીયા, મેલેરીયા સહિતના વાહકજન્ય રોગો વિશે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. સર્વેલન્સ દરમિયાન ૩૨૫ જેટલા તાવના કેસો મળી આવ્યાં હોવાની જાણકારી પણ ડૉ. કશ્યપે આપી હતી.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment