રાજપીપલાની ઉજ્જીવન સ્મોલ બેંકની અનુકરણીય પહેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

કોરોનાની સંભવતઃ આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં શહેરી-ગ્રામ્ય વિસ્તારના દરદીઓને સમયસર સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તે માટે CSR પ્રોજેક્ટના ભાગરૂપે રાજપીપલાની ઉજ્જીવન સ્મોલ બેંકના ટીમ લીડર ધર્મેન્દ્ર પ્રજાપતિ, એરીયા મેનેજર અશોક ગોસ્વામીના હસ્તે આજે રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે PPE કિટ્સ-૧૦૦, ફોગીગ પંમ્પ-૧૦, દિવાલ પંખા-૧૦, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર-૦૫, કચરા પેટી-૫૦, ઓસિકા-કવર-૧૦૦, પલ્સ ઓકસીમીટર-૧૦, થર્મોમીટર-૦૫, ઓકસજન માસ્ક-૫૦, ઓકસીજન રેગ્યુલેટર-૦૫ અને હેન્ડ ગ્લોઝ સહિત કુલ-૧૨ જેટલી વિવિધ ઉપયોગી આરોગ્યલક્ષી ઉપકરણોની ભેટ આપી હતી, જેનો સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ સ્વીકાર કર્યો હતો.

બેંકના ટીમ લીડર ધર્મેન્દ્ર પ્રજાપતિએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR પ્રોજેક્ટ અંતર્ગત હેન્ડ ગ્લોઝ, PPE કિટ્સ સહિત કુલ-૧૨ જેટલી વિવિધ આરોગ્યલક્ષી વસ્તુઓ પૂરી પાડીને દરદીઓને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તેવો પ્રયાસ કર્યો છે. CSR પ્રોજેક્ટ હેઠળ મંજૂર કરાયેલ વિવિધ વસ્તુઓની જરૂરી મંજૂરી પણ ઝડપથી મેળવીને કોવિડ હોસ્પિટલને આરોગ્યલક્ષી વસ્તુઓની ભેટ આપી હોવાનું પ્રજાપતિએ ઉમેર્યું હતું.

બેંકના એરીયા મેનેજર અશોક ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ઉજ્જીવન બેંકએ ફાઇનાન્શન બેંક છે જે, ગુજરાતના અનેકવિધ જિલ્લાઓમાં કાર્યરત છે, જેમાં લોકોને લોન આપવાનું કામ કરવા ઉપરાંત સામાજીક ક્ષેત્રે પણ લોકોને જનઉપયોગી થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને લોકોને મદદરૂપ થઇ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજપીપલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજપીપલાની ઉજ્જીવન બેંક થકી આજે આરોગ્યલક્ષી વિવિધ વસ્તુઓ પૂરી પાડીને બેન્કે સાચા અર્થમાં લોકોની સેવા કરવાનું કામ કર્યું છે. તેમજ કોરોનાની સંભવિતઃ ત્રીજી લહેર કદાચ આવે તો પણ તે વસ્તુઓ આપણને ખૂબ જ ઉપયોગી બની રહેશે.કોવિડ-૧૯ હોસ્પિટલને મળેલી વિવિધ વસ્તુઓ કોરોનાના પેશન્ટને તો કામ લાગશે જ પરંતુ તેની સાથોસાથ જનરલ પેશન્ટને અને રાજપીપલા મેડીકલ કોલેજમાં પણ તે ઉપયોગી બની રહેશે. ઉક્ત વસ્તુઓ પૂરી પાડવા બદલ બેંકનો તેમણે આભાર વ્યક્ત કરી આ પ્રકારની પહેલ એ પ્રેરણાદાયી પહેલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે બેંકના બ્રાન્ચ મેનેજર રાવ પાટીલ અને કોવિડ-૧૯ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા 

Related posts

Leave a Comment