હિન્દ ન્યૂઝ, ભાવનગર
કોઈપણ કાર્યક્રમ હોય કે યોજના હોય તેની સફળતા માટે રાજ્ય સરકારની કૃતનિશ્ચયતા સાથે લોકોની લોકભાગીદારી અને સહભાગિતા ખૂબ જ આવશ્યક છે.
લોકોને પોતાની સાથે જોડવા અને જે-તે યોજના, કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તાલીમ સાથેના સેમિનારો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
આવા જ એક ત્રિદિવસીય સેમિનારનું આયોજન ભાવનગર જિલ્લાના સિહોરના હનુમાનધારા ખાતે જનજાગૃતિ અને સાવચેતીથી રોગ અટકાયતી પગલાઓ માટે કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ અને તાલુકા હેલ્થ ઓફિસર, સિહોરની માર્ગદર્શન હેઠળ તા.૬,૭,૮ સપ્ટેમ્બરનાં રોજ સિહોર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢ, ઉસરડ, સણોસરાનાં તાબાનાં ગ્રામ સંજીવની સમિતિ ભાણગઢ, ઘાંઘળી, નવાગામ, ઉસરડ, સોનગઢ,પાડાપાણનાં સભ્યોનો સેમિનાર યોજાયો હતો.
જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણીએ સરળ ભાષામાં ગ્રામ સંજીવની સમિતિનું મહત્વ અને કામગીરી સમજાવી હતી.
તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, કોકિલાબેન પંડ્યા દ્વારા તાલીમાર્થી સભ્યોને આ અંગેની વિસ્તૃત સમજ અપાઈ હતી.
તાલીમાર્થીઓ દ્વારા જોખમી માતાનાં લક્ષણો અને માતામરણ, બાળમરણ અટકાવવાં ગ્રામ સંજીવની સમિતિ શું કરી શકે? પાણીજન્ય રોગચાળો, મચ્છરજન્ય રોગચાળો અટકાવવાનાં પગલાં વિશે ચર્ચા તેમજ કોરોનાથી રસીથી લોકોને રક્ષિત કઇ રીતે કરી શકાય? કુટુંબનિયોજનમાં ન માનતા દંપતિને કઇ રીતે સમજાવી શકાય? બાળકને રસીકરણની ના પાડતાં કુટુંબને કઇ રીતે સમજાવી શકાય? વગેરે બાબતે ચાર્ટ, જૂથ ચર્ચા, નાટક દ્વારા અરસપરસ તાલીમાર્થી દ્વારા સમજણ મેળવાઈ હતી.
આ સેમિનારમાં ભાણગઢ, પાડાપાણ, ઘાંઘળી, નવાગામ, ઉસરડ, સોનગઢનાં ગ્રામ સંજીવની સમિતિનાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આરોગ્ય, પોષણ, સ્વચ્છતાનાં મુદ્દે લોકસહયોગ માટે ગ્રામ સંજીવની સમિતિનાં સભ્યોની તાલીમ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં યોજાઇ હતી.
આ તાલીમથી સજ્જ થયાં બાદ તાલીમાર્થીઓ વધુને વધુ લોક ઉપયોગી અને લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી વિવિધ બાબતો પ્રત્યે વ્યાપક જન સહભાગીતા ઉભી કરી શકશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી,