ગીર-સોમનાથ જિલ્લામાં વિકાસ દિવસ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

રાજ્ય સરકારના પાંચ વર્ષ ઉજવણી અંતર્ગત વિકાસ દિવસની ઉજવણી સોમનાથ રામમંદીર ઓડીટોરીયમમાં આરોગ્ય અને તબીબી શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી કીશોરભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા અથવા બે રૂમ કે તેથી ઓછા રૂમવાળા કાચા આવાસ ધરાવતા કુટુંબોને આવાસ બાંધકામ માટે રૂા. ૧,૨૦,૦૦૦ની સહાય મળવાપાત્ર થાય છે.

તેમજ મનરેગા યોજના સાથે કન્વર્જન કરી ૯૦ દિવસની મજુરીપેટે મકાન બાંધકામ માટે રૂા. ૨૦,૬૧૦ સુધીની વધારાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા-૪૨, કોડીનાર-૩૭, વેરાવળ-૪૦, સુત્રાપાડા-૨૦, તાલાળા-૭૬ અને ઉના-૯૩ તાલુકાઓમાં કુલ ૩૦૮ આવાસના ઇ–લોકાર્પણ/ખાતમુહૂર્ત મંત્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓને ગૃહપ્રવેશ માટે ચાવી પ્રતિકૃતિ ખાતમુહૂર્ત અંતર્ગત વર્કઓર્ડર પ્રતિકૃતિ તેમજ અતિરિક્ત પ્રોત્સાહક સહાય યોજના હેઠળ ચેક વિતરણ મંત્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) રૂા. ૧૮૬ લાખના ખર્ચે જમનવાડા થી આદપોકાર રોડનું લોકાર્પણ અને રૂા. ૪૪૮.૭૯ લાખના રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. વેરાવળ એસ.ટી. વિભાગની ૩ નવી બસોનું લોકોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા. ૯૭૨ કરોડના ખર્ચવાળા ૨૫૯૮ કિ.મી. લંબાઇના ૧૧૫૯ કામો મંજુર કર્યા છે. ગ્રામીણ માર્ગોના માળખાકીય વિકાસ માટે ૫૫૪૩ કિ.મી. લંબાઇના ૨૨૧૬ કામો પુર્ણ અને ૭૨૭૬ કિ.મી. લંબાઇના ૨૬૭૭ કામો પ્રગતિ હેઠળ છે. ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના પાંચ વર્ષમા રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ લોકો માટે અમલમાં મુકી છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમની રામીબેન વાજાએ પ્રાસંગીક ઉદબોધન કરી ઉપસ્થિતોને યોજના વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય મંત્રી નિતિનભાઇ ગડકરી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અભિતભાઇ શાહે વતન પ્રેમ યોજના એપ્લીકેશન લોન્ચ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે શાબ્દીક સ્વાગત ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચરે કર્યું હતું. કાર્યક્રમના અંતમાં આભારવિધિ ચીફ ઓફીસર જતીનમહેતાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન આચાર્ય દિપક નિમાવતે કર્યું હતું. આ પ્રસંગે પુર્વ બીજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવા, પુર્વ સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, કાર્યપાલક ઇજનેર (પંચાયત) અંકીત ભદોરીયા, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર.પટેલીયા, વિભાગીય પરિવહન અધિકારી આર.ડી.પિલવાઇકર, ડેપો મેનેજર બી.ડી.રબારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment