પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ ઉત્સવનો પ્રારંભ તા.09/08/2021 શ્રાવણ સુદ એકમને સોમવારે થશે

હિન્દ ન્યૂઝ, સોમનાથ,

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ ઉત્સવનો પ્રારંભ તા.09/08/2021 શ્રાવણ સુદ એકમને સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.06/09/2021 શ્રાવણ વદ અમાસ ને સોમવારે થશે. ઓનલાઇન પ્રવેશપાસ માટે રજીસ્ટેશન, પૂજાવિધિ જેમાં મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન પૂજાવિધિ નોંધાવી શકશે.

વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઇટ પરથી સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી અતિથિભવનોમાં રુમોનું ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાશે.

કોરોના વૈશ્વિક મહામારી અંગેની સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે શ્રધ્ધાળુઓને દર્શન માટે આવવા વિનંતી છે. દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુઓએ માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન કરવું, પોતાનું ટેમ્પ્રેચર ચેક કરાવવું, મંદિરની રેલીંગ ને અડકવું નહિં, બીનજરૂરી ઉભા ન રહેવું, દર્શન લાઇનમાં ચાલતા રહેવું, દર્શન થયા બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવું નહિં આ તમામ સુચનાઓનું પાલન ફરજીયાત કરવાનું રહેશે.

શ્રાવણમાસમાં દેશ-વિદેશથી આવતા ભક્તોએ દર્શન માટે અગાઉથી ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી પ્રી-રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં બહારગામથી આવતા યાત્રીકો ને અપીલ છે કે તેઓ આ લીંક મારફત પોતાના દર્શન માટેનો સ્લોટ (સમય) બુક કરાવીને જ નિયત સમય થી વહેલા પહોચી દર્શનનો લ્હાવો આ માધ્યમથી લઇ શકાશે.

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી દર્શન અને આરતી સાથે સુર આરાધના- સત્સંગ સહિતના કાર્યક્રમો નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial- ટ્વીટર@Somnath_Temple –યુટ્યુંબ SomnathTemple-Official Channel –ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial –વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 9726001008-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન-ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી મળી રહે તે માટે મંદિરની આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

શ્રી ભાલકાતીર્થી, ગીતા મંદિર , શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે. જેનો લ્હાવો લેવા સર્વે ભક્તજનોને હાર્દિક નિમંત્રણ છે. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલગ-અલગ શણગાર કરવામાં આવશે, આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણમાસ દરમ્યાન મહામૃંત્યુંજય યજ્ઞમાં યાત્રીકો હોમ કરી લાભ લઇ શકશે.

શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવને સુવર્ણનો અભિષેક શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પર 1457 કળશો નાના-મોટા-મધ્યમ છે, જેને સુવર્ણમંડીત કરવાના છે, જેમાં સહભાગી થવા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળની સર્વે ભક્તજનોને અપીલ છે.
વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતે થી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિઃ શુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવશે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહીત અનેક સવલતો નો યાત્રીઓ લાભ લઇ શકશે.
શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ- પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીત વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષ શરૂ રહેશે જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામ માં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના માન. ટ્રસ્ટી-સેક્રેટરી પ્રવિણભાઇ કે. લહેરી, ટ્રસ્ટી જે.ડી.પરમાર ના માર્ગદર્શન નીચે સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે.
શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.

કોરોના વૈશ્વિક મહામારીને કારણે શ્રધ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું, તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગ, જીલ્લાવહિવટી તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને જે દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેનો ચુસ્ત અમલ સાથે દર્શનનો લાભ લેવા વિનંતી છે. માસ્ક નહીં તો પ્રવેશ નહીં-કોરોના અંગેના નિયમોનો ભંગ થશે તો સરકારી તંત્ર દંડનીય કાર્યવાહી કરશે તેની નોંધ લેવા વિનંતી.

Related posts

Leave a Comment