૩ જુલાઈએ યોજાનારી ડભોઇ સૂચિત વેરા વધારાની દરખાસ્તથી નગરજનોમાં રોષ 

હિન્દ ન્યુઝ, ડભોઈ

     કાળઝાળ મોંઘવારી અને હાલમાં ચાલતી કોરાનાની મહામારીને કારણે ધંધા રોજગારમાં આવેલી ઓટ અને બજારોમાં પ્રવર્તતી ભયંકર મંદીમાં સપડાયેલા અને આર્થિક હાડમારી ભોગવી રહેલા ડભોઇના નગરજનોના માથે વેરો વધારો ઝીંકવાની ડભોઇ નગરપાલિકા દ્વારા થનાર કાર્યવાહી સામે વિરોધનું વાવાઝોડું જન્મ લઈ રહયાનો અણસાર જોવા મળી રહ્યો છે.
આગામી સપ્તાહમાં યોજાનારી ડભોઇ નગરપાલિકાની સામાન્ય સભાનો એજન્ડા સોશિયલ મીડિયામાં ફરતો થતાં જ સામાન્ય સભામાં ડભોઇ નગરપાલિકાના વિસ્તારમાં રહેતા નગરજનોના માથે વારિગૃહ અને ભૂગર્ભ ગટર યોજનાને સ્વનિર્ભર બનાવવાના બહાના હેઠળ સદર સામાન્ય સભામાં વિષયનં ૫૮ હેઠળ પાણીવેરો અને ગટર વેરામાં વધારો કરવા બાબતની દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ થવાની હોવાની વાત સામે આવતા જ મંદી અને આર્થિક તંગી ભોગવી રહેલા ડભોઇના નગરજનોમાં સૂચિત દરખાસ્ત સામે અસંતોષ ફાટી નીકળ્યો છે સાથે જ નગર પાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સૂચિત દરખાસ્તનો વિરોધ કરવાની તૈયારીઓ કરાઈ રહી હોવાનું સાંભળવા મળી રહ્યું છે. નગરપાલિકાના શાસક પક્ષ ભાજપ દ્વારા સામાન્ય સભામાં વિવિધ પ્રકારના વેરા વધારાની દરખાસ્તનો વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવશે અને સામાન્ય સભામાં વેરા વધારા મુદ્દે જોરદાર વિરોધ નોંધાવાશે .આમ છતાં વિરોધ પક્ષના વિરોધની અવગણના કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ નગરજનોના સહયોગથી ડભોઇ નગરની સડકો પર ઉતરીને જોરદાર વિરોધ નોંધાવશે અને જાહેર જનતાના માટે કમરતોડ વેરાના વધારાનો જડબાતોડ જવાબ અપાશે. એવું નગરપાલિકાના કોંગ્રેસના બેનર ઉપર ચૂંટાયેલા સદસ્યો દ્વારા કહેવાઈ રહ્યું છે.
    આગામી 3 જુલાઈના રોજ નગરપાલિકાના સભાખંડમાં યોજાનાર સામાન્ય સભામાં નગરજનોને અપાતી સેવાઓ જેવી કે પાણી તથા ગટર યોજનાને સ્વનિર્ભર બનાવવા તથા વેરામાં માળખાકીય સુધારો કરવાના સૂચિત એજન્ડાથી નગરજનો ભડકી ગયા છે. એક બાજુ ગુજરાત સરકાર વેરાઓ ઘટાડવા માટે તથા એડવાન્સ વેરો ભરે તેને રાહત આપવા માટેની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે ત્યારે તેનાથી વિરુદ્ધ ડભોઇ નગર પાલિકાનું તંત્ર નગરજનોના માથે આર્થિક ભારણ વધારવાના પેંતરા રચી રહ્યું છે અને એ પણ એવા સમયે જ્યારે લોકો કોરોનાની મહામારીનો શિકાર થયા હોય, લોકડાઉનને કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા હોય, લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે એવા સમયે વેરાઓ વધારવાની દરખાસ્ત નગરપાલિકાનું પગલું જન વિરોધી અને અત્યાચારી હોવાનું લોક ચર્ચામાં સાંભળવા મળી રહ્યું છે. નગરપાલિકાના સભાખંડમાં યોજાનારી સામાન્ય સભામાં જો બહુમતીના જોરે વેરો વધારવાનો નિર્ણય લેવામાં આવશે તો કોંગ્રેસના સદસ્યો ઘરે ઘરે જઈ પત્રિકાઓ અને પેમ્પલેટ દ્વારા કોંગ્રેસ દ્વારા થઇ રહેલા વિરોધમાં પ્રજાજનો સાથ મેળવશે અને પ્રજાના સહયોગથી જન આંદોલન ઊભું કરીને વેરા વધારાઓનો જબરદસ્ત વિરોધ નોંધાવશે. એમ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
આગામી સપ્તાહમાં યોજાનારી નગરપાલિકાની સામાન્ય સભા વેરા વધારાની દરખાસ્તને કારણે તોફાની બનશે અને વેરા વધારાનો વિરોધ નગરપાલિકાના સભાખંડ માંથી નગરના રાજમાર્ગો ઉપર જોવા મળશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment