કોહેઝન સંસ્થાનો નવતર અભિગમ કોવિડ જનજાગૃતિ અભિયાન

હિન્દ ન્યૂઝ, દિયોદર 

    વિભા સંસ્થા અમેરિકા, શિક્ષણા ફાઉન્ડેશન બેંગ્લોર અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે કોવિડ સપોર્ટ કાર્યક્રમ અંતર્ગત કોવિડ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના તમામ ગામોમાં સમુદાયના લોકોને કોવિડ અંતર્ગત જાગૃત કરવામાં આવી રહ્યા છે. કોવિડ સપોર્ટ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચો, સમુદાયના લોકો, યુવાનો, બાળકો અને આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી ના કાર્યકર મિત્રો ભાગ લઈ રહયા છે. કોવિડ 19 અંગે લોકોમાં જાગૃતિ આવે એ માટે દરેક ગામમાં લોકોને માઇક દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. સાથે સાથે કોવિડ ને લગતાં અલગ અલગ પ્રકારના પોસ્ટર ગામની મુખ્ય શેરીઓમાં, શાળા, ધાર્મિક સ્થળો, ગ્રામ પંચાયત, ડેરી જેવા સ્થળો પર પોસ્ટર લગાવીને લોકોને માહિતી આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત દરેક ગામને ઓક્સીમીટર તેમજ ગરીબ અને વંચિત પરિવારોને માસ્ક, સાબુ અને સેનિટાઈઝર તેમજ આશા બહેનોને N95 માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન ના સહયોગ થકી ત્રણસો પરિવારોને રેશન કીટ આપવામાં આવી રહી છે. તાલુકા કોરડીનેટર દિનેશ વણકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ એક માસ સુધી ચાલશે અને તમામ ગામોને આવરી લેવામાં આવશે.કોવિડ સપોર્ટ કાર્યક્રમ અંતર્ગત દિયોદર CHC અને કોતરવાડા CHC માં કામ કરતાં ડોકટર, આરોગ્ય કાર્યકર મિત્રોને પણ ટૂંક સમયમાં માસ્ક,હાથના મોજાં તેમજ PPE કીટ નું વિતરણ કરવામાં આવશે.આ સમગ્ર કાર્યક્રમ માટે તમામ આર્થિક સહયોગ વિભા સંસ્થા અમેરિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમજ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દિયોદર દ્વારા સમગ્ર કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment