આશિંક લોકડાઉનને સ્વયં રીતે નડિયાદ શહેરના સર્વે નાના-મોટા સૌ વેપારીઓએ સહકાર આપ્યો

હિન્દ ન્યૂઝ, નડિયાદ

ખેડા જિલ્લામાં વકરતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. આજે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલા આંશિક લોકડાઉનને સ્વયમ રીતે નડીયાદ શહેરના નાના-મોટા સૌ વેપારીઓ અને નાગરિકોએ સહકાર આપીને કોરોનાને નાથવા માટેનો પ્રબળ આત્મ વિશ્વાસ જિલ્લા વહીવટી તંત્રને આપ્યો છે. 
            ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી લોકોને વિનમ્ર ભાવે કોરોનાને નાથવા સૌ નાગરિકોને ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા અને રાજય સરકારે આપેલ આંશિક લોકડાઉનને સમર્થન આપવા અપીલ કરી હતી.
            આજે નડિયાદ શહેરમાં જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ વેપારીઓએ પોતાનો અકલ્પનીય સહકાર આપ્યો હતો. સવારથી જ નડીયાદ શહેરમાં ઠેર ઠેર આવેલ ચા ની લારીઓ બંધ જોવા મળતી હતી. તેમજ રાબેતા મુજબ સવારના ૯.૦૦ થી ૧૦.૦૦ કલાક બાદ ચાલુ થતી દુકાનો જેવી કે, હેર કિટીંગ, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પૂલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, રેડીમેડ શોરૂમ, ફર્નિચરની દુકાનો અને અન્ય નાની મોટી દુકાનોના માલિકો દ્વારા પોતાની દુકાન ખોલી ન હતી. કોરોનાને નાથવા માટે તેઓ પણ પરિવાર સાથે ધરમાં રહીને ‘હું પણ છું કોરોના વોરિયર્સ’ તેવો ભાવ રજૂ કરતા હોય તેવું પણ લાગી રહ્યું હતું.  

            તેમજ કરિયાણું, બેકરી, ધંટી, શાકભાજી- ફ્રૂટ માર્કેટ અને દવાની દુકાનો ખુલ્લી જોવા મળતી હતી. ત્યાં પણ પાખી હાજરી નાગરિકોની જોવા મળી હતી. આવતા ગ્રાહકો પોતાને કોરોના વાયરસથી સંક્રમિત ન થાય તે માટે માસ્ક સતત પહેરેલું રાખતા હતા. તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવાઇ રહે તેની કાળજી લેતા નજરે પડયા હતા. 
            તે ઉપરાંત મોટા ભાગની બેંકો ૫૦ ટકા કર્મચારીઓ સાથે કાર્યરત હતી. તેમજ બેંકોમાં પણ પાંખી હાજરી જોવા મળતી હતી. સરકારી કચેરીઓ પણ ૫૦ ટકા સ્ટાફ સાથે કાર્યરત રહી હતી. બપોરના ૧૨ કલાક બાદ ઉનાળાની આકરી ગરમી અને આંશિક લોક ડાઉનની અસરકારક અમલવારીના કારણે માર્ગો પણ સુમસામ બની ગયા હતા.
            આજના આંશિક લોકડાઉનના માહોલે જિલ્લા વહીવટી તંત્રના પડખે મક્કમતાથી વેપારીઓ, નગરજનો ઉભા રહીને કોરોનાને નાથવાનું બળ આપતા હોય તેવું લાગી રહ્યું હતું. આજના માહોલ પરથી એમ લાગે છે કે, ઉભી થયેલી પરિસ્થિતિને સૌના સાથ સહકાર થકી કોરોનાના જંગમાં તેને પરાસ્ત જરૂર કરશું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment