ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચૂંટણીમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના માન્ય ઉમેદવાર મુકેશભાઈ જશવંતભાઈ પટેલને વિજ્યી બનાવવા મહા મંડળ ના હોદ્દેદારોની અપીલ

હિન્દ ન્યૂઝ, ડભોઈ

    આગામી ૨૫ એપ્રિલના રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જુદા જુદા સંવર્ગના સભ્યોની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ -મહામંડળ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારી વર્ગ ના મત વિભાગ (૬) માટે છોટાઉદેપુર જિલ્લા ઘટક સંઘના પ્રમુખ મુકેશભાઈ જશવંતભાઈ પટેલને માન્ય ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે અને મુકેશભાઈ પટેલ ને જંગી બહુમતીથી જીતાડવા માટે મહામંડળ- સંઘના હોદ્દેદારો પ્રમુખ ભરતકુમાર આર પટેલ (દાઢી) તથા મહામંત્રી રમેશભાઈ.બી ઠક્કરે સંયુક્ત નિવેદન દ્વારા આ વિભાગના રાજયભરના શિક્ષકોને અપીલ કરી છે. આમ પણ મુકેશભાઈ જશવંતભાઈ પટેલે વિજય માટે મજબૂત ઉમેદવાર ગણાય છે. કારણકે તેઓ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પક્ષના મહામંત્રી પણ રહી ચૂક્યા છે,

તેમજ છોટાઉદેપુર જિલ્લાના સહકારી ક્ષેત્રમાં પણ તેઓ અગ્રણી ગણાય છે. તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ (ઘટક સંઘ છોટાઉદેપુર) ના હાલ માં પ્રમુખ છે. તેમજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ- મહામંડળના પ્રાદેશિક મંત્રી પણ છે. આજરોજ સદર ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે મુકેશભાઈ પટેલના સમર્થનમાં અન્ય બે ઉમેદવારો દેસાઈ ઓધારભાઈ.બી (પાટણ) તથા રાહુલભાઈ ઉપાધ્યાય નામ ના શિક્ષકોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. જેથી હાલમાં આ ચુંટણી જંગમાં માત્ર ત્રણ ઉમેદવારો સ્પર્ધામાં રહ્યા છે. પરંતુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના માન્ય ઉમેદવાર તરીકે મુકેશભાઈ પટેલનું પલડુ હાલમાં ભારે જણાઈ રહ્યું છે. તેમજ તેઓને હાલમાં રાજ્યભરના શિક્ષકો દ્વારા ઠેરઠેર મોટા પ્રમાણમાં સારો એવો આવકાર મળી રહ્યો છે જેથી તેઓ જંગી બહુમતીથી વિજયી બનશે તેવું હાલમાં લાગી રહ્યું છે. બીજી બાજુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકસંઘ -મહામંડળના હોદ્દેદારો એ સમગ્ર રાજયભરના ઘટક સંઘોને સંઘના માન્ય ઉમેદવારને જીતાડવા માટે રાજ્યભરના સંઘના સંગઠનને કામે લગાડયું છે તેમજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ- મહામંડળના પ્રમુખ અને મહામંત્રી એ લેખિત નિવેદન દ્વારા મહામંડળના માન્ય ઉમેદવાર સામે બળવાખોરી કરી ચૂંટણીજંગમાં ઊભેલા તકવાદી લોકોને જાકારો આપવા માટે અપીલ કરી છે અને સંગઠનની શક્તિ દ્વારા સંઘના માન્ય ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે ના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આમ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યોજાનારી આગામી ચૂંટણીમાં વિભાગ (૬)ના ઉમેદવાર મુકેશભાઈ પટેલ જંગી બહુમતીથી જીતી જશે તેવું હાલમાં જણાઈ રહ્યું છે.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment