હોળી આદિવાસીઓનો મુખ્ય તેહવાર જાણો, મનાવવાની પરંપરા વિશે

હિન્દ ન્યૂઝ

             હોળીકાએ પોતાના ભત્રીજા ભક્ત પ્રહલાદને મારવા માટે અગ્નિમાં બેસી ગઈ હતી. હોળીકાને એવું વરદાન હતું કે એ કોઈ દિવસ અગ્નિમાં બળશે નહિ. પણ ભક્ત પ્રહલાદ સત્યના માર્ગે જ્યારે હોળીકા અસત્યના માર્ગે ચાલી રહી હતી. અંત એવો આવ્યો કે હોળીકા અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ જ્યારે સત્યના માર્ગે ચાલનારા ભક્ત પ્રહલાદને ઉની આંચ પણ ન આવી. આમ સત્ય પર અસત્યનો વિજય થયો એટલે “હોળી” નો તહેવાર મનાવવામાં આવે છે. એક લોકવાયકા એવી પણ છે કે હોળીકા ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ ચિતા પર બેઠી હતી એ જંગલ વિસ્તાર હતો. ભક્ત પ્રહલાદનો જીવ તો બચી ગયો પણ એ જંગલ વિસ્તારના આદિવાસીઓએ ભક્ત પ્રહલાદને અમુક દિવસો સુધી સાચવ્યો હતો. “હોળી” એ આદિવાસીઓના મુખ્ય તહેવાર તરીકે ગણવામાં આવે છે.

         આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે. “હોળી” ના દિવસે આદીવાસીઓ ધાન્યની અગ્નિમાં પૂજા કરે છે. આદિવાસીઓની એક લોકવાયકા મુજબ વસંત ઋતુમાં પાકેલા નવા પાકને અગ્નિમાં નાખી પછી એનું ગ્રહણ કરવામાં આવે છે એને “હોલા” કહેવામાં આવે છે. આ એક પ્રાકૃતિક પર્વ છે ઐતિહાસિક પર્વ નથી, પછી ધીમે ધીમે “હોલા” માંથી “હોળી” નામ પડી ગયું.

             આમ તો આદિવાસી સમાજ સિવાયના અન્ય સમાજના લોકો દિવસ આથમ્યા બાદ હોળી પ્રગટાવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓ દિવસ આથમતા પેહલા હોળી પ્રગટાવે છે. આદિવાસીઓ હોળીને ઐતિહાસિક નહિ પણ પ્રાકૃતિક પર્વ તરીકે પૂજે છે. “હોળી” પ્રગટાવ્યા બાદ આદિવાસીઓ આખી રાત નાચ ગાન કરે છે. “હોળી” ની પ્રદક્ષિણા કરે છે, આમ કરવાથી હોળીની અગ્નિની ગરમી શરીરમાં બધા રોગ ખાસ કરીને ચામડીના રોગો મટાડે છે એવી માન્યતા છે. નર્મદા જિલ્લો આદીવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે, નર્મદા જિલ્લામાં પણ આદિવાસીઓ અલગ અલગ રીતે હોળીનો તહેવાર ઉજવે છે. નર્મદા જિલ્લાના માલસામોટ વિસ્તારમાં હોળીને બીજે દિવસે એટલે કે ધુળેટીના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે. ચોમાસામાં જે ધાન પાકયું હોય એ હોળીમાં ચઢાવી પછી એ ખાય છે. શાકભાજી અને કેરી હોળીમાં ચઢાવ્યા બાદ પછી ખાવાના વર્ષો જૂની આદિવાસીઓની પરંપરા છે. એનું કારણ એક જ કે આંબાનો વંશ વેલો ટકાવી રાખવા અને પછીના સમયમાં પાકી અને મીઠી કેરી લોકો ખાઈ શકે એટલે જ આદિવાસીઓની સાથે અન્ય સમાજના લોકો પણ હાલમાં એ પરંપરાને અનુસરે છે. નર્મદા જિલ્લામાં આદિવાસીઓ શિવરાત્રીના દિવસે વાંસ રોપે છે અને એ પછીના 15 દિવસ એટલે હોળી આવતા સુધી ઢોલ નગારા સાથે આદીવાસી નૃત્ય કરે છે. તો બીજી બાજુ જુવાનિયાઓ ગિલ્લી, દડાની રમત રમે છે. જ્યારે હોળી આવે ત્યારે ગિલ્લી દડાને હોળીમાં ચઢાવી દે છે. આદિવાસીઓ હોળીને નવા વર્ષ તરીકે પણ ઉજવે છે. “હોળી” ના દિવસને આદિવાસીઓ નવા વર્ષ તરીકે પણ ઉજવે છે. હોળી પેહલા પાનખર ઋતુ આવે છે, પાનખર ઋતુમાં વૃક્ષો પરથી પાન ખરે છે અને નવી કૂપણ ફૂટે છે. વૃક્ષો પણ સજી ધજીને નવું વર્ષ ઉજવે છે. પ્રકૃતિ નવું સ્વરૂપ ધારણ કરે છે, એટલે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક હોવાના નાતે નવા વસ્ત્રો પહેરી ખેતીના અને ધંધાના નવા ઓજારોની ખરીદી કરી હોળીના રાખથી તિલક કરી પૂજા અર્ચના કરી ધંધાની નવી શરૂઆત કરી હોળીને નવા વર્ષ તરીકે ઉજવે છે.

         ડેડીયાપાડાના વડફડીમાં હોળી પ્રગટાવી આદીવાસીઓ આખી રાત નૃત્ય કરે છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વડફડી ગામમાં સૂરજ આથમે એ પેહલા આદિવાસીઓ હોળી પ્રગટાવે છે, આખી રાત આદિવાસી પરિધાનમાં પારંપરિક આદિવાસીઓ નૃત્ય કરે છે. સવારે 6 વાગે પછી “હોળી” ની પૂજા કરી પોતાની માનેલી માનતા જો પૂર્ણ થઇ હોય તો માનતા પુરી કરવા ઘેરૈયા બને છે, ઘેરૈયાઓ સતત 5 દિવસ સુધી પોતાના વિસ્તારમાં નાચ ગાન કરે છે. આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ રહે, કોઈ બીમાર ન પડે અને સારું ધાન પાકે એ માનતા સાથે આદિવાસીઓ ઘેરૈયા (પુરુષ હોય તો એ સ્ત્રીનો વેશ ધારણ કરે છે) બને છે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપળા 

Related posts

Leave a Comment