દાંડીયાત્રાના અનુસંધાને જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

        ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે, તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળનારી દાંડીયાત્રાનો શુભારંભ સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કરાવનાર છે. અમદાવાદ સાબરમતી આશ્રમથી નિકળનારી દાંડીયાત્રા ખેડા જિલ્‍લામાં પ્રવેશ કરશે અને પૂ.મહાત્‍મા ગાંધીબાપુની ૧૯૩૦માં નીકળેલી મૂળ દાંડીયાત્રા મુજબના જ રૂટ ઉપરથી આ યાત્રા ખેડા જિલ્‍લામાંથી પસાર થશે. ખેડા જિલ્‍લામાં જુદા જુદા ત્રણ ગામોમાં પદયાત્રીઓ રાત્રી રોકાણ કરશે.

અમદાવાદ સાબરમતીથી નીકળ્યા બાદ પ્રથમ દિવસે અસલાલી ગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્‍યારબાદ બીજા દિવસે પદયાત્રીઓ નવાગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્રીજા દિવસે માતરમાં રાત્રી રોકાણ કરશે તેમજ જિલ્લાના મુખ્‍ય મથક નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં પણ આ દાંડીયાત્રા રાત્રી રોકાણ કરશે. જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલએ દરેક વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની ઝીણવટભરી રીતે સમીક્ષા કરી હતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.

તેઓએ નડિયાદ શ્રી સંતરામ મંદિર તેમજ દાંડીમાર્ગની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારી પ્રજાપતિ, મામલતદાર પ્રકાશ ક્રિસ્‍ટી, નડિયાદ નગરપાલિકાના અધિકારીઓ સહિત ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહયાં હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment