લીમખેડાની શાળાઓમાં NPCB & VI અને RBSK અંતર્ગત વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરાયા

હિન્દ ન્યુઝ, દાહોદ

    રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દૃષ્ટિ ક્ષતિ નિવારણ કાર્યક્રમ (NPCB & VI) તથા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની આંખોની તંદુરસ્તી જાળવવા માટે સરાહનીય પહેલ કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય હેતુ બાળકોમાં દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓનું સમયસર નિદાન અને નિવારણ કરવાનો છે.

આ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં લીમખેડા તાલુકાની મોડેલ સ્કૂલ અને જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓની આંખોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રિફ્રેક્ટિવ એરર (દૃષ્ટિની ખામી) ધરાવતા જરૂરિયાતમંદ બાળકોને યોગ્ય નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિશેષ કામગીરી અંતર્ગત આર.બી.એસ.કે. ટીમ (નિનમાના ખાખરીયા) દ્વારા વિદ્યાર્થીઓની આંખોના નંબરની ઝીણવટભરી તપાસ કરી, મોડેલ સ્કૂલ લીમખેડાના બાળકોને કુલ ૨૩ નંગ ચશ્માની ફાળવણી કરી વિતરણ કરવામાં આવ્યા હતા.

શાળાકીય વયના બાળકોમાં દૃષ્ટિની ખામીનું વહેલી તકે નિદાન થવાથી તેમને સમયસર યોગ્ય સારવાર મળી રહે છે. આનાથી બાળકોના અભ્યાસ, વાંચન તેમજ સર્વાંગી વિકાસમાં દૃષ્ટિની ખામીને કારણે કોઈ અવરોધ ઊભો થતો નથી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને દૃષ્ટિ સંરક્ષણ માટે ભવિષ્યમાં પણ આવી લોકઉપયોગી કામગીરી સતત જાળવી રાખવામાં આવશે.

Related posts

Leave a Comment