કાલાવડ તાલુકાના ફગાસ ગામે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા ગાયની આંખની સફળ શસ્ત્રક્રિયા કરી નવજીવન આપ્યું

હિન્દ ન્યુઝ, કાલાવડ

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામમાં પશુપાલક રાજદીપભાઈની ગાયની આંખમાં ગંભીર તકલીફ જણાતાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ MVD નવાગામ અને MVD ખંડેરાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગાયની તબીબી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાયની આંખમાં ગંભીર સડો માલૂમ પડતાં, પશુની આરોગ્ય વિષયક સ્થિતિને ધ્યાને રાખીને તબીબો દ્વારા સ્થળ પર જ આંખની સંપૂર્ણ શસ્ત્રક્રિયા (Eye Enucleation) કરવાનો નિર્ણય લેવાયો હતો. આ જટિલ સર્જરી અંતર્ગત અસરગ્રસ્ત ભાગને સફળતાપૂર્વક દૂર કરીને પશુને જરૂરી તમામ તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.

૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન ટીમ દ્વારા સ્થળ પર જ દર્શાવવામાં આવેલી આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી બદલ જામનગર જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી પિયુષ પરમાર તથા જામનગર ઝોનના પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાન દ્વારા સમગ્ર ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ તકે જામનગર ઝોનના પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાને જણાવ્યું હતું કે, હાલમાં જામનગર જિલ્લામાં ફરતાં પશુ દવાખાનાં દરરોજ સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી સક્રિય રીતે કાર્યરત છે, જેના દ્વારા પશુપાલકોને ઘરઆંગણે જ પશુચિકિત્સા સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વધુમાં, પશુપાલકોને પોતાના પશુઓમાં કોઈપણ પ્રકારની બીમારી, ઈજા કે આરોગ્યસંબંધિત સમસ્યા જણાય ત્યારે વિલંબ વગર ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment