સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈ ખાતે ગુજરાતી અસ્મિતાના પ્રખર પ્રણેતા અને સાહિત્યજગતના યુગપુરુષ વીર નર્મદની ૧૯૩મી જન્મજયંતીની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ 

   સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈ ખાતે ગુજરાતી અસ્મિતાના પ્રખર પ્રણેતા અને સાહિત્યજગતના યુગપુરુષ વીર નર્મદની ૧૯૩મી જન્મજયંતીની જ્ઞાન, સાહિત્ય અને પ્રેરણાના ત્રિવેણી સંગમ સમી ઉજવણી કરવામાં આવી હતી.

કૉલેજના ગુજરાતી વિભાગ તથા સપ્તધારા અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સપ્તધારા કો-ઓર્ડિનેટર ડૉ. પ્રીતિબેન પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, નર્મદના જીવનમાંથી સાહસ, સત્યનિષ્ઠા અને નિર્ભીકતાના ગુણો કેળવીને આજની યુવાપેઢીએ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે આગળ આવવું જોઈએ. પ્રા. જયેશભાઈએ ‘નર્મદનું વ્યક્તિત્વ’ વિષય પર વિસ્તૃત વક્તવ્ય આપીને ઉપસ્થિત તમામને નર્મદના સાહિત્યિક, સામાજિક અને સુધારક વ્યક્તિત્વનો ઊંડાણપૂર્વક પરિચય કરાવ્યો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. T.Y.B.A. ના વિદ્યાર્થી સ્નેહલભાઈએ ‘નર્મદનો જીવન પરિચય’ વિષય પર સચોટ માહિતી રજૂ કરી હતી. F.Y.B.A. ના વિદ્યાર્થી પ્રિન્સ કુમાર દ્વારા નર્મદની પ્રથમ આત્મકથા ‘મારી હકીકત’ના વિશેષ પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા હતા. જ્યારે પુનમબેને નર્મદની પ્રસિદ્ધ કાવ્યકૃતિ ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’નું અત્યંત ઉત્સાહભેર અને પ્રેરણાદાયી કાવ્યપઠન કર્યું હતું.

કાર્યક્રમના અંતે કૉલેજના આચાર્ય ડૉ. જે. એમ. ભોયા દ્વારા પ્રેરણાદાયી સમાપન ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં નર્મદના ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન અને ગુજરાતી ભાષા-સાહિત્યના ઘડતર અને વિકાસમાં તેમના અતુલ્ય યોગદાનને વિશેષ રૂપે રેખાંકિત કર્યું હતું. આચાર્યએ જણાવ્યું કે, “વીર નર્મદનું ‘યા હોમ’નું સૂત્ર આપણને જીવનની કોઈપણ મુશ્કેલી સામે લડીને વિજયી બનવાની પ્રેરણા આપે છે.”

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. અમૃતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ પ્રા. જયેશભાઇએ કરી હતી. 

Related posts

Leave a Comment