હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ ડુંગરાળ વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને સમયસર તબીબી સહાય પહોંચાડીને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી માહિતી મુજબ, આહવા-૧ એમ્બ્યુલન્સ સેવાના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) શ્રી છોટુભાઈ ચૌધરી અને પાયલોટ શ્રી સમીરભાઈ સૈયદે ઉમરપાડા ગામની ૧૮ વર્ષીય સુરેખાબેન કેસીરાવ બરડેની અત્યંત વિકટ પરિસ્થિતિમાં સફળ અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી.
સુરેખાબેન ખેતરમાં રોપણીનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. અગાઉ કરાયેલા સોનોગ્રાફીના રિપોર્ટમાં બાળકના ગળામાં નાળ ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
આ સમયે અમદાવાદ હેડ ઓફિસના ERCP ડૉ. પરમારના સતત માર્ગદર્શન હેઠળ ૧૦૮ ટીમે તાત્કાલિક જરૂરી સારવાર શરૂ કરી હતી. ઓક્સિટોસીન ઇન્જેક્શન, આર.એલ. પિન્ટ તેમજ માતા અને બાળકને ઓક્સિજન આપીને ગામની ઝૂંપડીમાં જ અત્યંત હિંમત, કુશળતા અને સમયસૂચકતા સાથે સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. ટીમના ઝડપી અને અસરકારક પ્રયાસોથી માતા અને નવજાત બાળક બંનેનો જીવ સુરક્ષિત બચાવવામાં સફળતા મળી હતી.
પ્રાથમિક સારવાર બાદ માતા અને નવજાતને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલુ રાખવામાં આવી છે.
૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની આ ઉત્કૃષ્ટ અને સમર્પિત કામગીરી બદલ પીએમ શ્રી હેમંત સોલંકી તથા ઈએમઈ શ્રી અરવિંદ ચૌધરીએ ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીની પ્રશંસા કરવામા આવી હતી. ઉપરાંત ઉમરપાડા ગામના ગ્રામજનોએ તેમજ દર્દીના સગા-સંબંધીઓએ પણ ટીમની સમયસર અને નિષ્ઠાપૂર્વકની સેવાભાવનાને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પહોંચાડવામાં આવી રહી છે, જે અનેક પરિવારો માટે જીવનદાયી સાબિત થઈ રહી છે.
