હિન્દ ન્યુઝ, ડાંગ
ગુજરાત સરકાર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અને વરસાદી પરિસ્થિતિ અંગે ડાંગ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી (Heavy Rain Alert) આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ચેતવણી મુજબ તારીખ 27 જુલાઈ બપોરે 14:23 થી 28 જુલાઈ બપોરે 14:23 (આગામી 24 કલાક) દરમિયાન ગુજરાતના 17 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આગાહી મુજબ અસરગ્રસ્ત 17 જિલ્લાઓમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, વડોદરા અને વલસાડનો સમાવેશ કરાયો છે.
આ સાથે ડાંગ જિલ્લાનો તાલુકાવાર વરસાદ (તારીખ: 27/07/2026 – બપોરે 14:00 વાગ્યા સુધી) જોઈએ તો આહવા તાલુકામાં 20 મી.મી. (કુલ 1675 મી.મી.), વઘઈ ખાતે 23 મી.મી. (કુલ 1963 મી.મી.), અને સુબીર ખાતે 5 મી.મી. (કુલ 1465 મી.મી.) મળી જિલ્લામાં સરેરાશ 16 મી.મી. (કુલ 1701 મી.મી.) વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
આ આગાહીને ધ્યાને લેતા આગાહી હેઠળના તમામ 17 જિલ્લાના વહીવટી તંત્રને સાવચેત રહેવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે નીચાણવાળા, હેઠવાસના તથા નદી/કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને નદી, નાળા ક્રોસ ન કરવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.
