હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી ગાર્ગી જૈને આજે કવાંટ તાલુકાના અંતરિયાળ અને સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
કવાંટ તાલુકાના મતદાન મથકો પર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓનું કલેકટરએ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ જાહેર કરાયેલા બૂથ પર મતદારો કોઈપણ પ્રકારના ભય કે પ્રલોભન વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
તેઓએ મતદાન મથકો પર પીવાનું શુદ્ધ પાણી, વીજળી, શૌચાલય અને દિવ્યાંગ મતદારો માટે રેમ્પ જેવી ‘એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ’ (AMF) ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા.સંવેદનશીલ મથકો પર આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન અને ચૂંટણીલક્ષી ફરિયાદોના ઝડપી નિકાલ માટે અધિકારીને તાકીદ કરી.
આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી ડીડીઓ સેજલ સંગાડા, કવાંટ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ઉચ્ચ અધિકારીઓ તેમજ ચૂંટણી શાખાના કર્મચારીઓ જોડાયા હતા.
