છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા હાલ ગતિશીલ છે. આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અન્ય ચૂંટણીલક્ષી ફરજોમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સેવા સદન, અને પોલીસ હેડ ક્વાર્ટર, છોટાઉદેપુર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસીલીટેશન સેન્ટર (સુવિધા કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યા હતા. 

    છોટાઉદેપુર જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફરજ બજાવતા જી.આર.ડી.સી,હોમગાર્ડ અને પોલીસ જવાનોએ આ સુવિધા કેન્દ્ર ખાતેથી પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

   આ સુવિધા કેન્દ્રનો મુખ્ય આશય ચૂંટણી પ્રક્રિયામાં રાત-દિવસ કાર્યરત તમામ લાયક મતદારો અત્યંત સરળ અને પારદર્શક રીતે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. ૨૬મી એપ્રિલે થનારા સામાન્ય મતદાન પૂર્વે જિલ્લાના ‘ચૂંટણી રક્ષકો’ પોતાના મતાધિકારનો પ્રયોગ કરી આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Related posts

Leave a Comment