હિન્દ ન્યુઝ, દાહોદ
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ખેડૂતો જાગૃત બની રહ્યાં છે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર પ્રાકૃતિક ખેતી થકી કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારી શકાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની મદદથી વિવિધ પ્રકારની પાકની બીમારીઓ અટકાવી શકાય છે. જેમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણું મહત્વનો ભાગ ભજવે છે.
પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે. કારણ કે, દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્ર એ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સૂક્ષ્મ જીવાણુ અને પોષક તત્વોનો ખજાનો છે. ગૌમૂત્ર એ પાકનું જીવન ચક્ર પૂરું કરવા માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. ઉપરાંત પાકનાં વૃદ્ધિ અને વિકાસનાં નિયંત્રણ માટે જરૂરી હોર્મોન્સ પૂરા પાડે છે. આ ઉપરાંત પાકને નુકસાન કરતાં જંતુઓ બેક્ટેરિયા વાયરસ ફુગ વગેરે સામે રક્ષણ આપે છે
ગોબરએ સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે. એક ગ્રામ ગોબરમાં જૂદા-જૂદા પ્રકારનાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલાં સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, તે અનેક પ્રકારે જમીનને સમૃદ્ધ કરવાનું કામ કરે છે. દેશી ગાયનાં ગોબરમાં નાઈટ્રોજન સ્થાપન માટે જવાબદાર ફોસ્ફરસ, પોટાશ, અને સલ્ફરની લભ્યતા માટે જવાબદાર પેસ્ટ્રીસાઈડ અને હેવી મેટલનું વિઘટન કરનાર તેમજ પાકનાં અવશેષો અને સેન્દ્રીય પદાર્થોનું વિઘટન કરનાર પાકવૃદ્ધિકારકો અને જંતુઓ અને રોગકારકોનું જૈવિક નિયંત્રણ કરનાર સૂક્ષ્મ જીવાણુઓ પણ હોય છે.
આમ, દેશી ગાયનાં ગોબર અને ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરેથી જમીનને સમૃદ્ધ અને ઉપજાઉ બનાવી શકાય છે, તેમજ ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી તૈયાર થયેલાં વિવિધ અસ્ત્રોથી પાક સંરક્ષણ થઈ શકે છે.
આમ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ વગેરે ખરીદવાની જરૂરિયાત રહેતી નથી.
