હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા શહેર ઉપરાંત મધ્ય ગુજરાત ઝોનના વિવિધ જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓમાં ખાલી જગ્યાઓની રાજ્ય સરકાર દ્વારા પૂર્તિ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ખાલી જગ્યા ઉપર નિયત ભરતી પ્રક્રીયામાં પસંદ પામેલા કાર્યકર અને તેડાગર બહેનોને આજે શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત વડોદરા ઝોનના લગભગ ૧૮૭૮ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર તથા તેડાગર તરીકે પસંદગી થયેલ ઉમેદવારોને આજે નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિમણૂંક પત્રો મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણભાઇશુક્લના અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.
વડોદરા, વીએમસી, દાહોદ, પંચમહાલ, આણંદ, મહિસાગર, છોટાઉદેપુર અને ખેડા એમ આઠ જિલ્લાઓની નવી ભરતી થયેલા આંગણવાડી અને તેડાગર મહિલાઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિમણૂક પત્રો મેળવીને બધાએ ખુશી વ્યક્ત કરી બાળકો, માતાઓ અને કિશોરીઓની સંભાળ માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
બધા આમંત્રિત મહાનુભાવો નવા ભરતી થયેલા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી અને બાળકો દેશનું ભવિષ્ય છે અને માતાઓ પછી, આંગણવાડી બહેનો જ તેમના ભવિષ્ય અને સ્વાસ્થ્યની સંભાળ રાખે છે, તેથી તેમને યશોદા માતા તરીકે સંબોધિત કર્યા હતા. તેઓએ નવા ચૂંટાયેલા તમામ ઉમેદવારો પાસેથી જવાબદારીપૂર્વક કામ કરવાની અને સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ અવસર પર નવા કાર્યકરોને બાળ વિકાસ, પોષણ, શિક્ષણ અને સમુદાય સેવામાં સમર્પિત ભાવ સાથે કામગીરી કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આ પ્રયત્નથી ગ્રામ્ય તથા શહેરી સ્તરે આંગણવાડી સેવાઓ વધુ મજબૂત બનશે અને બાળકો તથા માતાઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ વધારો થશે.
આ વેળાએ મેયર શ્રીમતી પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ શીતલ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહીડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશ પુરાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
