હિન્દ ન્યુઝ, જામનગર
બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજી વાલીઓ સરળતાથી ઘરે બનાવી શકે તેવી વાનગીઓની જાણકારી અપાઈ
કુપોષિત બાળકો અને તેમના પરિવારજનોમાં પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ લાવવા તેમજ બાળકોમાં મેદસ્વિતા ઘટાડવા હેતુ જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના એન.આર.સી. વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે એન.આર.સી.ના સ્ટાફ દ્વારા પોષણ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી એવી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં બીટના ઢોકળા, સાબુદાણા-સફરજન ખીર, ખજૂર-મખાના ખીર, દલિયા ખીચડી, મિક્સ સ્પ્રાઉટ્સ, મિક્સ વેજિટેબલ સલાડ, મિક્સ ફ્રૂટ, પાલક-મગ દાળના પુડલા અને કઢી-ભાત જેવી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ડો. ભાવેશ ખાણધર, એન.આર.સી.ના ન્યુટ્રિશનિસ્ટ ક્રિષ્ના દવે, ન્યુટ્રિશન આસિસ્ટન્ટ મોમીનાબેન અને નર્સિંગ સ્ટાફ હિરલ કણજારિયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજિત કરાયો હતો. આ પ્રયાસથી કુપોષિત બાળકોના વાલીઓને સરળતાથી ઘરે બનાવી શકાય તેવી પોષણયુક્ત વાનગીઓ વિશે જાણકારી મળી, જે તેમના બાળકોના સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થશે.
કાર્યક્રમમાં અધિક તબીબી અધિક્ષક ડો.દિલીપ ગોહિલ, આર.સી.એચ.ઓ. ડો. નુપૂર કુમારી પ્રસાદ અને એ.એચ.એ. મયૂરી સામાણી તેમજ પીડિયાટ્રિક વિભાગના નિષ્ણાતો ડો. સોનલ શાહ, ડો. મૌલિક શાહ અને ડો. હેમાંગિની ખરાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
