હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર તાલુકાના લાખાબાવળ ગામે થોડા દિવસ પહેલા હિંસક પ્રાણીના શિકારથી પશુપાલકોના ઘેટાં બકરાં સંવર્ગના ૩૪ પશુઓના મૃત્યુ થયા હતા. જેને લઈને રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પશુપાલકો સાથે રૂબરૂ મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ જીવ હોય તે અણધારી વિદાય લે એટલે આઘાત તો લાગે જ ત્યારે ઘેટાં-બકરાંઓના મૃત્યુ થતા માલધારીઓના આ કપરાં સમયમાં મદદરૂપ થવા અને યોગ્ય સહાય ચુકવવા મંત્રીએ ખાતરી આપી હતી. તેઓએ પશુપાલન વિભાગ અને વનવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી આ બાબતે યોગ્ય કામગીરી કરવા સૂચનો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે લાખાબાવળ ગામે થોડા દિવસ પહેલા રાત્રીના સમયે હિંસક પ્રાણીએ ઘેટાં બકરાં સંવર્ગના ૩૮ જેટલા પશુઓ પર હુમલો કર્યો હતો જેમાંથી ૪ ઘેટાંઓ બચી જતા તેઓની સારવાર કરવામાં આવી રહી છે. અને ૩૪ પૈકી ૨૬ ઘેટાંઓ અને ૮ બકરાંઓનું મૃત્યુ નીપજ્યું હતું. જે પશુપાલકોના પશુઓનું મૃત્યુ થયું છે તેઓને સહાય ચુકવવાની કામગીરીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.