હિન્દ ન્યુઝ, ભાવનગર
૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ભાવનગરના જવાહર મેદાન ખાતે આગામી તા. ૯ થી ૧૨ માર્ચ દરમિયાન યોજાનાર “નમો સખી સંગમ મેળો” ના આયોજન અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાએ અધિકારીઓએ કરેલ તૈયારીઓ અંગેની માહિતી મેળવી હતી તેમજ એમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીને “નમો સખી સંગમ મેળો” ના આયોજન અંગેની માહિતી જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ તા. ૯ થી ૧૧ માર્ચ સુધી યોજાનાર કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને શ્રીમતી નિમુબેન બાંભણિયા, રાજ્ય મંત્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા.૦૯-૦૩-૨૦૨૫ થી ૧૨-૦૩-૨૦૨૫ દરમ્યાન જવાહર મેદાન, ભાવનગર ખાતે યોજાનાર “નમો સખી સંગમ મેળો” યોજાશે.
આ બેઠકમાં ભાવનગર જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.