વિજ્ઞાનમ ગણિતમ ચૈવ, નેક રૂપેણ સર્વદા
હિન્દ ન્યુઝ, તાપી
તાપી જિલ્લાના ડોસવાડાની મોડેલ સ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ત્રી-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનનો ઉદ્ઘાટન સમારોહ આજરોજ જાલમસિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર, ડી.આઈ.ઈ.ટી, તાપી, શિક્ષણાધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું હતું.
તાપી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫માં વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વને આંબવા માટે આગળ વધી રહેલા ભાવી બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ વિશિષ્ટ કૃતિઓ રજુ કરી હતી. જિલ્લા કક્ષાના આ પ્રદર્શનમાં તાપીના ૭ તાલુકાઓના કુલ ૭૫ જેટલી ટીમોએ ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ મુખ્ય થીમ આધારિત નાવીન્યપૂર્ણ કૃતિઓ પ્રદર્શિત કરી હતી.
વિજ્ઞાન વિષયને ઉદ્દેશીને જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ આ અવસ્થામાં જીજ્ઞાશાવૃતિ નષ્ટ ન થવા દેવી જોઈએ. ટેકનોલોજી અને વિજ્ઞાનએ એવો વિષય છે, કે જે લોકો પાસે જીજ્ઞાશા છે, કલ્પના શક્તિ છે તેમણે આ જગતને કઈક આપ્યું છે. વિદ્યાર્થીઓએ હમેશા પરંપરાથી અલગ વિચારવું જોઈએ. આ જમાનામાં દરેકે વિજ્ઞાનને જાણવું જોઈએ. આજે લોકો ટેકનોલોજીનો દુર ઉપયોગ કરીને ડીજીટલ એરેસ્ટ કરે છે, સ્કેમ કરે છે તેની સામે ટકવા માટે પણ તમને ટેકનોલોજીનો ખ્યાલ હોવો જોઈએ.
પૂર્વ આદિજાતિ મંત્રી કાન્તીભાઈ ગામીત તેમજ ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીતે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ડાયેટના પ્રાચાર્ય જે.ડી. પટેલે પ્રદર્શન અંગે અહેવાલ રજુ કર્યો હતો. શાળાના આચાર્યે આશાબેન ચૌધરીએ આભાર દર્શન કર્યું હતું.
પ્રદર્શન ઉદ્ઘાટન સમારોહમાં રૂષિભાઈ ગામીત, શિક્ષણ સમિતિ ચેરમેન, સરપંચ સુમિત્રાબેન ગામીત, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ, મીનેશભાઇ ગામીત, એસ.વી.એસ-૧-૨ના કન્વીનર, જિલ્લાની શાળાના શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો, વાલીઓ તેમજ ગ્રામજનોએ પ્રદર્શન નિહાળ્યું હતું.