હિન્દ ન્યુઝ, તાપી
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ તાલુકા કક્ષાએ બે દિવસીય કૃષિ મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે યોજાયેલા રવિકૃષિ મહોત્સવ કાર્યક્રમ હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજે અને પ્રાકૃતિક ખેત પદ્દતિથી ખેતી કરતા થાય તેવા ઉદ્દેશ સાથે સોનગઢ તાલુકાના ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને તેમના જ વિસ્તારમાં રહી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના મોડલ ફાર્મની આત્મા પ્રોજેક્ટની ટિમ દ્વારા મુલાકાત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયેલા ખેડૂતોએ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોએ મોડેલ ફાર્મમાં ઉગાડાવામાં આવેલ વિવિધ પાકો વિશે તેમજ પ્રાકૃતિક ખેતીનાં પાંચ આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન વાફસા તેમજ જંતુનાશક અસ્ત્રો બનાવી તેનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરી શકે તે બાબતે વિસ્તૃત જાણકારી મેળવી હતી.