હિન્દ ન્યુઝ, ભાવનગર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ-બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત આજે ભાવનગર ખાતે મીડિયા કર્મીઓ માટે જિલ્લા માહિતી કચેરી ભાવનગર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ભવન ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના ૧૦૭ મીડિયા કર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી. પ્રસંગે જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે, પહેલું સુખ તે જાતે નર્યા એ આપણી કાર્ય સંસ્કૃતિ છે. સ્વાસ્થ્ય સારું હશે તો ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકીશું. સ્ટ્રેસ અને અનિયમિતતા ભરેલી લાઈફ સ્ટાઇલને કારણે પોતાના આરોગ્યની સંભાળ સમયાંતરે અવશ્ય કરાવવી જોઈએ. પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે,
સ્વાસ્થ્ય સુરક્ષા પણ અગત્યની છે એટલા માટે જ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પત્રકાર માટે દર વર્ષે આ પ્રકારના મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવા જણાવ્યું હતું. રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કરે રેડક્રોસ સોસાયટી દ્વારા થઈ રહેલા આરોગ્ય વિષયક સેવાઓ અને કાર્યો વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક આર. એસ. ચૌહાણે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે, સમાચારો માટે સતત દોડતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રીશ્રીએ મીડિયા કર્મીઓ માટે સમગ્ર રાજ્યમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરાવ્યું છે. ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા અને આગેવાન શ્રી રાજીવભાઈ પંડયાએ પત્રકારોના હેલ્થ ચેક અપ
કેમ્પની મુલાકાત લીધી હતી.
ભાવનગર રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ રિપોર્ટ (લોહીની ટકાવારી અને ઉણપનો રિપોર્ટ), લીવરના રોગ માટે-LFT (લીવર ફંક્શન ટેસ્ટ), લિપિડ પ્રોફાઈલ (કોલેસ્ટ્રોલના રિપોર્ટ), કિડનીના રોગો (કિડની ફંકશન ટેસ્ટ), સાંધાના રોગો (યુરિક એસિડ) હાડકા માટે (કેલ્શિયમની તપાસ), થાઇરોડનો રિપોર્ટ, વિટામિન B12, વિટામિન D, ડાયાબિટીસ (Rbs), પ્રોસ્ટેટ ટેસ્ટ (psa), ચેસ્ટ x ray, હૃદયની તપાસ માટે ECG, બહેનો તપાસ માટે મેમોગ્રાફિ તપાસ તેમજ સર્વાઈકલ કેન્સર માટે પેપ ટેસ્ટ, ફેફસાંની તપાસ સપાયરોમેટ્રી ટેસ્ટ, ઓટોરેફ અને કેરેટોમીટર દ્વારા આંખની તપાસ, હાડકાની ધનતા માપવા માટે BMD ટેસ્ટ તેમજ BMI રિપોર્ટ અને ડૉકટરનું કન્સલ્ટેશન કરી આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી વર્ષાબેન લાલાણી, ડો. મિલન દવે, વિનયભાઈ આહીર, પત્રકાર તથા જિલ્લા માહિતી કચેરી ભાવનગરના સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.