હિન્દ ન્યુઝ, જામનગર
જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર બી.કે.પંડયા દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપી હતી.
આ યોજના અંતર્ગત જુલાઈ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ (બીજો હપ્તો વર્ષ ૨૦૨૪-૨૫) માટે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૩૫ સંસ્થાઓની અરજી મળી હતી.જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૨૮ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ચુકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી. જ્યારે ૭ સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવેલ હતી. આમ, જિલ્લામાંથી કુલ ૨૮ સંસ્થાઓના ૫,૮૬૭ પશુઓ માટે કુલ ૧,૬૧,૯૨,૯૨૦ રૂપિયાની સહાય મંજૂર કરી ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ,ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, ઘનિષ્ટ પશુસુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામક પ્રફુલ મણવર, જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.