હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લા પંચાયતના ઓડિટોરીયમ હોલ ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૭૭ વય નિવૃત શિક્ષકોને મહાનુભાવોના સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. સાથે જિલ્લા પંચાયત હેઠળના વય નિવૃત થયેલ તથા અવસાન પામેલ હોય તેવા શિક્ષકોને નિવૃતિ વિષયક લાભ જેવા કે, રજા પગાર, જુથવીમા રકમ, જી.પી.ફંડ તથા પેન્શન જેવા લાભો ચુકવવાને અગ્રીમતા આપી બાકી લાભો જેમાં જી.પી.એફ.ના ૬૧ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૧૦,૦૦ કરોડ, જુથવીમાના ૧૭૩ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૨.૦૦ કરોડ અને રજા રોકડ રૂપાંતરનાં ૪૧ કેસોનો નિકાલ કરી રૂ.૩.૮૫ કરોડની ચુકવણી કરીને કુલ મળીને નિવૃત થયેલ ૨૭૫ જેટલા શિક્ષકોને અંદાજિત રૂ.૧૬.૦૦ કરોડની મહાનુભાવોના હસ્તે ચુકવણી કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે, શિક્ષકો દરેકના જીવનમાં સંસ્કારોનો દીપ પ્રગટાવી ઉન્નત જીવન તરફ દોરી જાય છે. વય નિવૃત શિક્ષકોના સન્માન સમારંભ કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો રહ્યો હોય છે. દેશના ભવિષ્યની ભૂમિકા શિક્ષકના હસ્તે ઘડાતી હોઈ છે. કારણ કે તેઓ વ્યક્તિઓના સર્વાંગી વિકાસની સાથે સાથે સમાજની પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ એવો પણ સુર વ્યક્ત કર્યો હતો કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતાં નથી, નિવૃત્તિ બાદ પણ સમય ફાળવી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપતાં રહે તેવો અનુરોધ કર્યો હતો. શિક્ષકો એ દરેક બાળકોના જીવનમાં દિપ રૂપી પ્રકાશ ફેલાવ્યો છે. શિક્ષકો જ્ઞાનનો પ્રકાશ છે અને તે હંમેશા શાણપણના મોતી આપે છે. વય નિવૃત્ત શિક્ષકોને જીવનની બીજી પારી પરિવાર સાથે સુખમય, સ્વસ્થ રહે એમ તેમણે ઉમેર્યું હતું.
જિ. પ્રા. શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલે આ અવસરે કહ્યું હતું કે, શિક્ષકમાં સાધુ, જ્ઞાની અને માં એમ ત્રિવેણી સંગમના દર્શન થાય છે. શિસ્ત, ક્ષમા અને કરૂણા એટલે શિક્ષક. શિક્ષક આપણા સમાજનુ નિર્માણ કરે છે. બીજી બાજુ તે આપણા માર્ગદર્શક પણ હોય છે. શિક્ષકનું સ્થાન માતા પિતાથી પણ ઉચ્ચ માનવામાં આવે છે.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પં. પ્રમુખભાઈ ભાવેશભાઈ પટેલે વયનિવૃત્ત શિક્ષકોની મહેનત, સમર્પણ અને આદર્શભાવને બિરદાવીને વધુમાં કહ્યું હતું કે, જેમની નિમણુંક થાય તેમની નિવત્તિ હોય જ છે.શિક્ષક એ બાળકની લાગણી સાથે સંકળાયેલ હોય છે. ત્યારે રાષ્ટ્રના ઘળતરમાં શિક્ષકનો ઉમદા ફાળો રહેલો હોય છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં જિ.પં. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તળવી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અમિષાબેન પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય સર્વ સીતાબેન, દિપીકાબેન, કેતનભાઈ, રેખાબેન, રમેશભાઈ, જિ.પ્રા.શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, શિક્ષણ સંઘના હોદેદારો સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વય નિવૃત્ત થતાં શિક્ષકોની દીર્ઘ કારકિર્દીને બિરદાવી નિરોગી દીર્ધાયુ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી .