હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને મળી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલી અસ્તાન કન્યા વિદ્યાલયની સામે રેલ્વે ઓવરબ્રિજની બાજુમાં સાત મીટર પહોળા સર્વિસ રોડ તથા સર્વિસ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવા માટે જગ્યા સંપાદન કરવાની સત્વરે કરવામાં આવે તેવી રજુઆત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ ડી.એલ.આર.ને માપણી તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગને સંપાદનની કાર્યવાહી ઝડપી કરવાની સુચના આપી હતી. આ ઉપરાંત મગદલ્લા-ધુલીયા નેશનલ હાઇવે નં.૫૩ પર આવેલ ધુલિયા ચોકડી બ્રિજ નીચેની જગ્યા બારડોલી નગરપાલિકાને બ્યુટીફિકેશન માટે આપવાની રજુઆત સંદર્ભે હાઈવેના અધિકારીઓને સત્વરે જગ્યા ફાળવી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત વઝોળીયા ગામે વરસાદી પાણીની કોતર ખુલ્લી કરવા, બંદિવાનો દ્વારા સંચાલિત ભજીયા હાઉસ માટે જમીન ફાળવવા, મીઠા પાણીની પાઈપલાઈન લાજપોર જેલ સુધી લંબાવવા તેમજ બંદીવાનોના શિક્ષણના હેતુ માટે શિક્ષક પ્રતિનિયુકિતથી ફાળવવાની રજુઆતો કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલે સુરત જિલ્લામાંથી પસાર થતા એક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે જમીનો સંપાદિત થયેલ છે જેમાં અમુક ખેડુતોને વળતર ચુકવાયેલ ન હોવાથી સત્વરે ચુકવણી કરવાની રજુઆત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ સત્વરે નાણાની ફાળવણી કરવા માટે સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે પલસાણા તાલુકાના એના, તુડી, ધામડોદ, ધલુડા ગામ ખાતે ગેસ પાઈપલાઈન નાખવાનું કામ અગાઉ શરૂ થયેલ હતું જે હાલમાં બંધ હોય સત્વરે શરૂ કરવા તથા ગેસલાઈનની કામગીરી માટે નેશનલ હાઇવેની મજુરી સત્વરે મળવા અંગેની રજુઆત સંદર્ભે હાઈવેના પ્રોજેકટ ડાયરેકટર અને ગુજરાત ગેસના અધિકારીઓએ કામગીરી પુર્ણ કરી હોવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, પ્રાંત અધિકારીઓ, જેતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.