ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ૧૪૬૭૨ યાત્રિકોને જરૂરી આરોગ્ય સારવાર અપાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

    ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કિલોમીટર લાંબા રૂટ પર તંત્ર દ્વારા ૧૦ જેટલા હંગામી દવાખાનાઓ યાત્રિકોની સારવાર માટે શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકોના આરોગ્યની દરકાર માટે ૧૬ જેટલી મેડિકલ ટીમ સાથે સેવારત છે.

ગિરનાર લીલી પરિક્રમામાં તા.૧૧,૧૨ અને ૧૩ નવેમ્બર સુધીમાં ૧૪૬૭૨ યાત્રિકોને તાવ, શરદી-ઉધરસ, શરીરના દુ:ખાવા વગેરે દર્દોમાં જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર જીણાબાવાની મઢી, સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી વિસ્તાર, બળદેવી મંદિર, ભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક પર હંગામી દવાખાના કાર્યરત છે. ઉપરાંત ભવનાથના નાકોડા ખાતે તાત્કાલિક સારવાર પણ ઉપલબ્ધ છે.

આકસ્મિક સંજોગોમાં દર્દીને નજીકના દવાખાના પહોંચાડવા માટે ૧૨ જેટલી એમ્બ્યુલન્સ પણ પરિક્રમા રૂટ પર ડેપ્યુટેડ છે.

Related posts

Leave a Comment