દરિદ્રનારાયણના ઘરમાં કલ્યાણનો દીપ પ્રગટાવતો ગરીબ કલ્યાણ મેળો : આણંદ જિલ્લો

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લાના ગોકુલધામ, નાર ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.

આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના ૧,૯૭૬ લાભાર્થીઓને રૂપિયા ૩.૨૩ કરોડની સાધન – સહાયના લાભો હાથો-હાથ આપવામાં આવ્યા હતા.

સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ કેમ્પસ, નાર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૯-૧૦ ના વર્ષથી સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. 

વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના ૧૩ તબક્કા પૂર્ણ થયા છે, અત્યાર સુધીમાં ગુજરાતમાં યોજાયેલા ૧૬૦૦ થી વધુ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્યના ૧.૬૬ કરોડથી વધુ લાભાર્થીઓને રૂપિયા ૩૬,૮૦૦ કરોડથી વધુની સહાયના લાભ વંચિત જરૂરત મંદ લોકો સુધી પહોંચાડ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, અધિકારી-પદાધિકારીઓના સઘન પ્રયાસોના પરિણામે ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ ગરીબ કલ્યાણની પરંપરાને આ સરકારે ચાલુ રાખીને સૌના સાથ, સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસનું કાર્ય હાથ ધર્યું છે.

નાયબ મુખ્ય દંડકએ આ તકે વડાપ્રધાનના વર્ષ-૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, ગરીબ પરિવારોને ગરીબી રેખામાંથી બહાર લાવી તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય ગરીબ કલ્યાણ મેળા કરી રહ્યા છે, તેમ જણાવી આ ગરીબ કલ્યાણ મેળાઓએ ગરીબ કલ્યાણની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનો યજ્ઞ હોવાનું પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં ગરીબ કલ્યાણ મેળા થકી સરકાર દ્વારા ઘર આંગણે આવીને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે, તેમ જણાવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ સૌને આવકારીને આણંદ જિલ્લામાં ૨૦૧૧ થી ૨૦૨૨ દરમિયાન યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં અત્યાર સુધી ૪ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૧૫૦૦ કરોડથી વધુ રકમના સાધન-સહાય આપવામાં આવી હોવાનું જણાવી નાર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાની વિસ્તૃત રૂપરેખા આપી હતી.

કાર્યક્રમના અંતે પેટલાદના મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટે આભારવિધિ કરી હતી. આ તકે મહાનુભાવો તથા ઉપસ્થિત લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. 

આ પ્રસંગે ગોકુલધામ, નારના સુખદેવપ્રસાદ સ્વામીજી, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર આર. એસ. દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઇ, અગ્રણી રાજેશભાઈ પટેલ, પદાધિકારીઓ, નગરજનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Advt.

Related posts

Leave a Comment