ભાવનગરમાં લોકભારતી સણોસરા ખાતેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “કૃષક સ્વર્ણ સમૃધ્ધિ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર જિલ્લામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હીના તકનીકી માર્ગદર્શન હેઠળ કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કામગીરીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તા.૨૩-૦૯-૨૦૨૪થી તા. ૨૭-૦૯-૨૦૨૪ દરમિયાન “કૃષક સ્વર્ણ સમૃધ્ધિ” સપ્તાહની ઊજવણી કરવામાં આવી રહી છે. 

 

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારના ખેડૂતોને વિસ્તાર આધારીત નવીનત્તમ કૃષિ તકનીકો, કૃષિ ઉદ્યોગો તેમજ કૃષિ ક્ષેત્રે સરકારશ્રીની વિવિધ યોજનાઓ બાબતે અને હાલમાં અમલીકૃત સરકારશ્રીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત ખેતર અને ગ્રામ વિસ્તારમાં સ્વચ્છતા બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ્વર્ણ સમૃદ્ધિ રથ’ દ્વારા ગામડામાં જઈને માહિતી પ્રદાન કરશે. 

 

આજે સપ્તાહના પ્રારંભે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના કાર્યકરો અને અધ્યાપકોએ વિધ્યાર્થીઓ સાથે સંસ્થાના જાહેર સ્થળોએ યજ્ઞાર્થે સફાઇ કરીને સરકારશ્રીના સ્વચ્છતા અભિયાનમાં પોતાનો સહયોગ નોંધાવ્યો હતો. 

 

કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલ બેઠકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ, કૃષિની નવીનતમ તકનિકો અને જિલ્લામાં તેના વ્યાપ બાબતે વિસ્તૃત ચર્ચા કરી લોકસેવા મહાવિદ્યાલયના આચાર્યશ્રીએ તંદુરસ્ત અને પ્રગતિશીલ સમાજની રચના માટે સ્વચ્છ સ્વભાવ અને સ્વચ્છ સંસ્કારની જરૂરિયાત પર ભાર આપતા જણાવ્યું હતું કે સ્થૂળરૂપ સ્વચ્છતાની સાથે સાથે વાણી, વર્તન અને વિચારોની સ્વચ્છતા જ એક આદર્શ માનવસમાજની રચના કરી શકે છે. “કૃષક સ્વર્ણ સમૃધ્ધિ સપ્તાહ” નો પ્રારંભ કરતાં “સ્વર્ણ સમૃધ્ધિ રથને લીલી ઝંડી ફરકાવીને રવાના કરવામાં આવ્યો હતો.


Related posts

Leave a Comment